રાજકોટની 800 બાંધકામ સાઇટમાં આજે ‘શટડાઉન’: બિલ્ડરોની રેલી
જંત્રી મુદ્દે બિલ્ડરોએ સરકારે સામે આર યા પાર ની લડતનાં મૂડ: બહુમાળી ભવનથી રેલીમાં બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યવસાયકારો અને નાગરિકો પણ જોડાશે: રાજકોટ સહિત રાજ્યભર આજે વિરોધ
જંત્રી મુદ્દે બિલ્ડરોએ સરકારે સામે આર યા પાર ની લડતનાં મૂડ માં છે, આજે રાજકોટ બિલ્ડર એસોસિએશનના હેઠળ બાંધકામ ઉદ્યોગ સજજડ બંધ રહેવાનો છે જેમાં રાજકોટમાં ચાલતી 800 જેટલી બાંધકામની સાઈટમાં ચાલતા કામને બ્રેક લાગી જશે. આજે સવારે 10:30 વાગ્યે બિલ્ડરોની સાથે બાંધકામ ક્ષેત્રમાં સંકળાયેલા વ્યવસાયિકો, શ્રમિકો મૌન રેલીમાં જોડાશે.
જંત્રી ઉપરાંત પ્લાન કમપ્લીશન, ફાયર એન.ઓ.સી. સહિત અનેક મુદ્દાઓ પર બિલ્ડરોએ સરકારે સામે વિરોધ નોંધાયો છે હવે આ વિરોધ સોશિયલ મીડિયા ઉપર પણ ઠાલવી રહ્યા છે. રાજકોટ બિલ્ડર એસોસિએશનના સભ્યોએ સોશિયલ મીડિયા પર પ્રજાની “મૌન કી બાત” ના બેનર સાથે વિરોધ વ્યક્ત કરી આ રેલીમાં સામાન્ય પ્રજાજનોને પણ જોડાવા માટે અપીલ કરી છે.
રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવમાં કમરતોડ વધારો ઝીકવામાં આવ્યો હોવાથી ક્રેડાઈ પણ લડી લેવાના મૂડમાં છે, આ માંગણી સરકાર પૂરી નહીં કરે તો ગુજરાત ક્રેડાઈએ ન્યાય માટે કોર્ટના દરવાજા ખખડાવાનો નિર્ણય લીધો છે, સુરત ક્રેડાઈ પ્રમુખ ડો. જીગ્નેશ પટેલે તો બાંધકામ ક્ષેત્ર છોડી અન્ય રાજ્ય અને દેશમાં બિલ્ડરો જશે ત્યાં સુધીની વાત કરી દીધી છે.ક્રેડાઈની મુખ્ય માંગણીઓમાં વાંધા રજૂ કરવા માટે 31 માર્ચ 2025 સુધીનો સમય આપવામાં આવે, ઓનલાઇન પ્રક્રિયાને સરળ બનાવવી અને ઓફલાઈન રજૂઆત માટે વ્યવસ્થા કરવામાં આવે, જંત્રીના ભાવ પ્રજાજનોને પોસાય તે મુજબ સાયન્ટિફિક સર્વે દ્વારા વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવે, દરેક વેલ્યુ ઝોન ના નકશા જાહેર કરવામાં આવે જેથી કરીને અસમાનતા દૂર થાય સહિતની મુખ્ય માંગણીઓ મૂકી છે.
જરૂર પડ્યે અમે કોર્ટમાં જશું:વાઇસ ચેરમેન ક્રેડાઈ
ગુજરાત ક્રેડાઈના વાઇસ ચેરમેન જશવંતભાઈએ જણાવ્યું હતું કે, સરકારને રજૂઆત યોગ્ય રીતે થાય તે માટે અમે આયોજનપૂર્વક કાર્ય કરી રહ્યા છીએ, સરકારમાં જે જંત્રી બાબતની વાત સાયન્ટિફિક કરવામાં આવી છે, તે સદંતર ખોટી છે સરકાર દ્વારા કોઈ સર્વે કરવામાં આવ્યો જ નથી, જંત્રી નો વધારો મનસ્વી રીતે કરવામાં આવ્યો છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ, જો જંત્રી નો ભાવ વધારો પરત નહી ખેંચાય તો જરૂર પડે અમે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈશું, જેના માટે અમે તૈયારીઓ કરી છે.
બાંધકામ ઉદ્યોગને એક દિવસમાં 50 કરોડનું નુકશાન,સરકારને પણ ફટકો: હિતેશ બગડાઈ
રાજકોટ બિલ્ડર એસોસિએશનના પૂર્વ પ્રેસિડન્ટ હિતેશ બગડાઇ જણાવ્યું હતું કે આજે બાંધકામ ઉદ્યોગ એક દિવસ બંધ રહેશે તો આશરે 50 કરોડનું નુકસાન થશે, બિલ્ડરો અને બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને તો આર્થિક ફટકો પડશે જેની સામે સરકારને પણ ટેક્સની આવક થશે નહિ, એક દિવસમાં સરકારની તિજોરીમાં પણ આશરે 20 લાખ જેટલો ટેક્સ નહિ ઠલવાય.
રિયલ એસ્ટેટની ગતિમાં હેરાનગતિ:સોશિયલ મીડિયા પર વિરોધ
રાજકોટ બિલ્ડર એસોસિએશનના સભ્યો અને ગુજરાતના બિલ્ડરોએ સરકારની ઝાટકણી સોશિયલ મીડિયા પર શરૂ કર્યું છે. જેમાં પ્રજાની “મૌન કી બાત”ના બેનર સાથે છેલ્લા ઘણા સમયથી રીયલ એસ્ટેટની ગતિમાં હેરાનગતિ બનેલા અનેકવિધ પ્રશ્નો પ્લાન પાસ, કમ્પ્લીસન, જંત્રીના માત્ર જવાબથી જ નહીં પણ પ્રશ્નોના નિરાકરણથી માંગણી કરવી આવશ્યક બની ગઈ છે.