ભારે વરસાદને કારણે ઉપલેટા, ધોરાજી, ગોંડલ પંથકના 8 રસ્તા બંધ
નદીમાં આવેલા પૂરના પાણી રસ્તા પર ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાયો: વાહનચાલકોને વૈકલ્પિક રસ્તે જવાની ફરજ પડી
રાજકોટ જિલ્લાના ઉપલેટા ધોરાજી પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે લોકોના હાલ બેહાલ થયા છે. તો બીજી તરફ ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાતાં ધોરાજી, ઉપલેટા, ગોંડલ પંથકના કેટલાક રોડની હાલત ખરાબ બની છે. તો વળી ક્યાં પૂરના પાણી રસ્તા પર ફરી વળતાં રસ્તા બંધ થયા હતા અને વાહન વ્યવહાર ખોરવાયો હતો. જો કે કેટલીક જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા હોય તેવા રસ્તા પરથી વાહનોની અવર-જવર ચાલુ રહી હતી.
રાજકોટ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગોંડલ, ઉપલેટા અને ધોરાજી પંથકના કુલ 7 રોડ તા.22/07ની સ્થિતીએ બંધ થયા છે. જેમાં ગોંડલ તાલુકાનો ગોંડલ વોરાકોટડા રોડ નવા બ્રિજનું કામ શરૂ હોય નદીમાં પૂર આવતા તેમજ ડાયવર્ઝન પર પાણી ફરી વળતાં આ રસ્તો બંધ થયો છે. જ્યારે ઉપલેટા પંથકમાં મેરવદર વડાળા રોડ અપટુ ડેસટ્રેક્ટ લિમિટ રોડ ચેકડેમ-કોઝવે ઓવરફ્લો થતાં બંધ થયો છે. ઉપલેટાનો મોજીરા ભાંખ કલરીયા રોડ, પાનેલી સાતવડી રોડ માઇનોર બ્રિજનું કામ ચાલુ હોય ડાઈવર્ઝન પર પાણી ફરી વળતાં બંધ થયો છે.
જ્યારે ગણોદ તણસવા મેરવદર અને ગઢળા એપ્રોચ રોડ કોઝ વે પરથી પાણી વહેતા હોય બંધ થયા હતા. આ ઉપરાંત ધોરાજી તાલુકનો છત્રાસી વંથલી અને મોટી મારડ ચીખલિયા બંને રોડ અતિ ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવવાથી કોઝ-વે પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. જો કે લોકોની અવર-જવર માટે કેટલીક જગ્યાએ વૈકલ્પિક રસ્તા હોવાથી લોકોને ફરી ફરીને જવાનો વારો આવ્યો હતો. મહત્વનું છે કે, ઉપલેટા અને ધોરાજી પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જો મળ્યા હતા. તો બીજી તરફ નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. જે પાણી રસ્તાઓ પર ફરી વળતાં રસ્તા બંધ થયા હતા.