આંગણવાડીમાં બાળક દીઠ 75 પૈસા ગાયબ !
વર્ષ 40 લાખથી વધુ રકમ ક્યાં જાય છે તે કોઈને ખબર જ નથી
સરકાર પ્રત્યેક બાળક દીઠ નાસ્તા માટે આપે છે રૂ.5.10 પૈસા, કોર્પોરેશન કોન્ટ્રાક્ટરને આપે છે રૂ.4.35 પૈસા
મિત્રો કોંગ્રેસના રાજમાં સરકાર પ્રજા માટે એક રૂપિયો મોકલતી હતી અને પ્રજા સુધી એક રૂપિયામાંથી માત્ર 25 પૈસા જ પહોંચતા હતા, બાકીના 75 પૈસા ક્યાં જતા હતા તે સૌ કોઈ જાણે છે… વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક સભાઓમાં આ વાક્ય કહી ચુક્યા છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત આંગણવાડીમાં આજે પણ આ વાત સો ટકા સાચી સાબિત થઇ રહી છે. ગુજરાત સરકાર રાજકોટની આંગણવાડીના પ્રત્યેક બાળકને દરરોજ રૂ.5.10 પૈસા નાસ્તા મેઈ આપે છે પરંતુ કોર્પોરેશન કોન્ટ્રાક્ટરને ફક્ત રૂ.4.35 પૈસા જ આપે છે ત્યારે બાકીના 75 પૈસા ક્યાં જાય છે અને કોર્પોરેશન એક બાળક દીઠ આ 75 પૈસા શા માટે કાપી રહી છે તે મોટો સવાલ છે.
રાજકોટ શહેરમાં આવેલ 365 બાલ આંગણવાડીનું મહાનગર પાલિકાના આઈસીડીએસ વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવે છે.આ તમામ બાલ આંગણવાડીમાં આવતા 0થી 5 વર્ષના 14975 બાળકોને મહાનગર પાલિકાના કહેવાતા સેન્ટ્રલ કિચનમાંથી ગરમાગરમ નાસ્તો કાગળ ઉપર પીરસવામાં આવી રહ્યો છે. જો કે, આંગણવાડીમાં આવતા પ્રત્યેક બાળક દીઠ મહાનગર પાલિકા 100થી 150 ગ્રામ ગરમ અને બે વખત આપવાના નાસ્તા માટે રૂ.4.35 પૈસા ચૂકવે છે, સ્વાભાવિક પણે જ રૂ.4.35માં દરેક બાળકને 100થી 150 ગ્રામ ગરમ નાસ્તો આપવો કેમ પોસાય ? તેવા સવાલો વચ્ચે પણ વર્ષ 2020થી ગણેશ મહિલા ગૃહ ઉદ્યોગ નાસ્તો પીરસી રહ્યું છે. ત્યારે આ નાસ્તાની ગુણવતાને લઈ વોઇસ ઓફ ડેની ગ્રાઉન્ડ લેવલની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી હતી.
જો કે, મહાનગર પાલિકાના સેન્ટ્રલ કિચનના કોન્ટ્રાકટર ભલે ઠંડો નાસ્તો અને વજન કર્યા વગરનો નાસ્તો આપી રહ્યા પરંતુ એથી પણ એક ચોંકાવનારી બાબત ખુદ મહાનગર પાલિકાના આઈસીડીએસ વિભાગના પીઓ એટલે કે, પ્રોગ્રામ ઓફિસરે કબૂલી છે. પ્રોગ્રામ ઓફિસર શરદાબેનના જણાવ્યા મુજબ સરકારમાંથી બાળક દીઠ દૈનિક રૂપિયા 5.10 પૈસા મંજુર થયા છે જેની સામે કોન્ટ્રાક્ટરને રૂપિયા 4.35 પૈસા ચૂકવાઈ રહ્યા છે.ત્યારે સ્વાભાવિક પણે જ સરકારમાંથી આવતા રૂપિયામાંથી 75 પૈસા ક્યાં જઈ રહ્યા છે તે મોટો સવાલ છે. દૈનિક એક બાળક દીઠ 75 પૈસાનો મહિનાનો અને વર્ષનો હિસાબ કરવામાં આવે તો 14975 બાળકોના હિસ્સાના 40 લાખથી વધુ રકમ કેમ કાપવામાં આવી રહી છે તે પણ મોટો સવાલ છે.
ફૂડ વિભાગે ચાર વર્ષથી નાસ્તાના સેમ્પલ જ નથી લીધા
રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં ખૂણે ખાચરેથી લારી-ગલ્લા અને હોટેલોમાં નિયમિત રીતે ખાદ્યચીજોના નમૂના લઇ ચકાસણી માટે લેબમાં મોકલવામાં આવે છે પરંતુ જ્યાંથી દરરોજ 14975 બાળકોને નાસ્તો આપવામાં આવે છે તેવા આંગણવાડીના સેન્ટ્રલ કિચનમાંથી છેલ્લા ચાર વર્ષમાં એક પણ નમૂનો લેવામાં ન આવ્યો હોવાનું ફૂડ સેફટી ઓફિસર હાર્દિક મેતાએ જણાવ્યું હતું. છેલ્લે ફૂડ વિભાગે 2021માં નમૂના લીધા હોવાનું તેમને જણાવ્યું હતું.
સેન્ટ્રલ કિચનમાં હવે સીડીપીઓની હાજરીમાં જ બનશે નાસ્તો
રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત આંગણવાડીઓમાં બાળકોને પશુઓને આપવામાં આવે તેવા ખાણદાણ જેવો નાસ્તો પીરસાઈ રહ્યાના અહેવાલને પગલે હવે આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસરે ત્રણ સીડીપીઓને સેન્ટ્રલ કિચનની જવાબદારી સોંપી હોવાનું સામે આવ્યું છે. જેથી હવેથી સેન્ટ્રલ કિચનમાં સીડીપીઓની હાજરી વચ્ચે સરકારના મેનુ મુજબ જ નાસ્તો બનાવી બાળકો સુધી મોકલવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટીએ સેન્ટ્રલ કિચન માટે ટેન્ડર મુનાસીબ ન સમજ્યું
રાજકોટ મહાનગર પાલિકાની 365 બાલ આંગણવાડીમાં બાળકોને ગરમા ગરમ નાસ્તો પહોંચાડવા માટે ગણેશ મહિલા ગૃહ ઉદ્યોગ મંડળીને કોર્પોરેશને કામગીરી સોંપી છે તેમાં પણ કશું રંધાઈ ગયાની આશંકા જન્મી રહી છે. સામાન્ય રીતે પાંચ લાખની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવતી હોય છે.પરંતુ આંગણવાડીના ભૂલકાઓ માટે ગરમાગરમ નાસ્તો બનાવવાના કામ માટે ટેન્ડર પ્રક્રિયા કરવાને બદલે વર્ષ 2020માં વાર્ષિક 2 કરોડથી વધુના કામ માટે ફક્ત ઠરાવ કરીને જ સ્ટેન્ડિંગ કમિટીએ લીલીઝંડી આપી દીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.