રાજકોટ જિલ્લા પંચાયતમાં 700 આરોગ્ય કર્મચારીઓએ નાખ્યા ધામા
સમયસર પગાર ન મળતા કર્મચારીઓએ રોષ સાથે ઠાલવી પોતાની વ્યથા
છેલ્લા 1 વર્ષથી કોરોના વોરિયર્સનો 130 દિવસની રજાનો પગાર સરકારે આદેશ કરવા છતાં નથી ચૂકવાયો: પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો હડતાલની ચીમકી
રાજકોટ જિલ્લા પંચાયતમાં મંગળવારે જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પોતાની જુદી-જુદી મંગણીઓને લઈને જિલ્લા પંચાયત ખાતે ઉમટી પડ્યા હતા. છેલ્લા 4 મહિનાથી સમયસર પગાર ન મળતો હોય કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીને રોષ ઠાલવ્યો હતો.
રાજકોટ જિલ્લાના 700 જેટલા હેલ્થ વર્કરો જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા અને પોતાની માગણીઓને લઈને રોષ સાથે વ્યથા ઠાલવી હતી. આ અંગે રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળના જાવેદ પઠાણે જણાવ્યું હતું કે, કર્મચારીઓનો પગાર છેલ્લા 4 મહિનાથી યેનકેન પ્રકારે અને બિન જરૂરી ભૂલો કાઢીને સમયસર ચૂકવાતો નથી. જેને કારણે મહિનાની 3, 5 તારીખે આવતા લાઇટ બિલ, હપ્તા સહિતની ચુકવણી કર્મચારીઓ કરી શક્તા નથી. ઉપરાંત છેલ્લા 1 વર્ષથી સરકાર દ્વારા કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓને 130 દિવસનો રજા પગારનો આદેશ કર્યો હોવા છતાં આજ દિવસ સુધી તેની ચુકવણી કરવામાં આવી નથી, છેલ્લા 1 વર્ષથી સરકાર દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓને રૂ.4000 સર્વે ભથ્થુંનો આદેશ કર્યો હોવા છતાં ચૂકવવામાં આવ્યું નથી.
કર્મચારીઓના પગાર ઉપરાંત આરોગ્ય ફાર્મસિસ્ટ કેડર છેલ્લા 3 મહિનાથી તેમની ઉપર સોંપાયેલ વેક્સિનની વધારાની કામગીરીનો બહિષ્કાર કરેલો છે, જે અંગે પણ સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ કર્યું નથી. ઉપરાંત ફાર્માસિસ્ટ તથા લેબ ટેક.ને સરકાર દ્વારા 130 દિવસનો રજાનો પગાર પણ આજદિન સુધી જાહેર કર્યો નથી. સહિતના મુદ્દે આજે આરોગ્ય કર્મચારીઓએ જિલ્લા પંચાયતમાં એકઠા થયા હતા અને પોતાની માગણીઓને લઈને વેદના ઠાલવી હતી.
જિલ્લા પંચાયતમાં ફાર્માસિસ્ટ, લેબ ટેક., એમપીએચએસ, એફએચએસ, એમપીએચડબલ્યુ, એફએચડબ્લ્યૂ સહિતના આરોગ્ય કર્મચારીઓ ઉમટી પડ્યા હતા અને આગામી દિવસોમાં પોતાના પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો હડતાલ કરવાની પણ ચીમકી ઉચ્ચરવામાં આવી હતી.