૭ આવાસ યોજનામાં ખાલી પડેલા ૧૮૩ ફ્લેટની ફરી હરાજી કરાશે
જયભીમનગર, વિમલનગર, ૧૫૦ ફૂટ રોડ, મવડી સહિતની યોજનાના ફોર્મનું આજથી વિતરણ
જરૂરિયાતમંદોને ઘરનું ઘર મળી રહે તે માટે કેન્દ્ર-રાજ્ય સરકારના સહયોગથી મહાપાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં આવાસ યોજના બનાવવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં પરિવાર રહે છે. આ પૈકીની સાત આવાસ યોજનાના ૧૮૩ ફ્લેટ એવા છે જે હાલ ખાલી પડેલા હોય તેની ફરીથી હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આજથી આ ફ્લેટ માટેના ફોર્મનું વિતરણ પણ શરૂ કરવામાં આવશે.
મહાપાલિકા દ્વારા જે વિસ્તારની આવાસ યોજનાના ફ્લેટની હરાજી કરવામાં આવનાર છે તેમાં ૩૪૮, હેવલોક એપાર્ટમેન્ટની સામે, જયભીમનગર (૧૦ આવાસ), ૧૦૪, વસંત માર્વેલની બાજુમાં વિમલનગર મેઈન રોડ (૭ આવાસ), એસ.૨, દ્વારકાધીશ હાઈટસની બાજુમાં, ૧૫૦ ફૂટ રોડ (૧૭ આવાસ), ૪૮-એ, સેલેનીયમ હાઈટસની સામે, મવડી પાળ ગામ રોડ (૧૬ આવાસ)ના મળી ૫૦ ફ્લેટની હરાજી કરવામાં આવશે. આ આવાસની કિંમત ૧૮ લાખ રૂપિયા છે જેમાં ત્રણ બેડરૂમ, હોલ, કિચનની સુવિધા મળશે. આ માટે વાર્ષિક આવક મર્યાદા ૬થી ૭.૫૦ લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ.
આ જ રીતે ૫૧-બી, વાવડી, તપન હાઈટસ રોડ, પુનિતનગર પાણીના ટાંકાની સામે (૫૩ આવાસ), ૫૧-બી, મવડી, સેલેનીયમ હાઈટસની સામે, મવડી પાળ ગામ રોડ (૩૦ આવાસ), ૩૩-એ, ક્રિસ્ટલ હેવનની પાછળ, મવડી કણકોટ રોડ (૧૬ આવાસ) અને ૩૮-એ, ક્રિસ્ટલ હેવનની પાછળ, મવડી કણકોટ રોડ (૩૪ આવાસ)ના મળી ૧૩૩ આવાસની હરાજી કરાશે. આ કેટેગરીના આવાસની કિંમત ૫.૫૦ લાખ રૂપિયા છે જેમાં ૧.૫ બેડરૂમ, હોલ, કિચનની સુવિધા મળશે જેની કિંમત ૫.૫૦ લાખ રૂપિયા છે. આ માટે વાર્ષિક આવસ મર્યાદા ૩ લાખ નક્કી કરાઈ છે. બન્ને યોજનાના ફોર્મનું વિતરણ આજથી શરૂ થઈ ૧૬ નવેમ્બર સુધી થશે.