રોજ ૨૦૦થી વધુ લોકો જ્યાં ખાય છે તે રઘુવંશી વડાપાંઉ’માંથી ૬૦ કિલો વાસી સોસ મળ્યો
ભૂપેન્દ્ર રોડ પર લોકોના
ફેવરિટ’ રઘુવંશી વડાપાંઉમાં ફૂડ શાખાનો દરોડો: ચંદ્રેશનગરમાં જય હો કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાંથી ૮ કિલો વાસી મંચુરિયન મળ્યા: પાંચ સ્થળેથી ખાદ્યપદાર્થના નમૂના લેવાયા
રાજકોટીયન્સનો સાંજનો સૌથી પ્રિય નાસ્તો હોય તો ઘૂઘરા બાદ વડાપાંઉ ગણી શકાય. એટલા માટે જ શહેરમાં ઠેર-ઠેર વડાપાંઉની દુકાનો અને રેંકડીઓ ખૂલવા લાગી છે. બીજી બાજુ જેમ જેમ ઘરાકી વધતી જાય છે તેમ તેમ નફાખોરો દ્વારા વાસી પદાર્થોની ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. આવી જ એક રમત' ભૂપેન્દ્ર રોડ પર બાઈસાહેબા સ્કૂલ સામે આવેલા
રઘુવંશી વડાપાંઉ’ દ્વારા કરવામાં આવતી હોવાનું ધ્યાન પર આવતાં મહાપાલિકાની ફૂડ શાખાએ દરોડો પાડી ૬૦ કિલો વાસી સોસ પકડી પાડતાં ચકચાર મચી જવા પામી છે. પ્રારંભીક તપાસમાં ખુલ્યા પ્રમાણે રઘુવંશી વડાપાંઉમાંથી દરરોજ ૨૦૦થી વધુ લોકો વડાપાંઉ ખાતાં હોવાનું ધ્યાન પર આવ્યું છે.
આ ઉપરાંત ફૂડ શાખા દ્વારા માયાણી ચોકમાં આવેલા જય હો કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરતાં ત્યાંથી ૮ કિલો વાસી મંચુરિયન સહિતના ખાદ્યપદાર્થ મળી આવતાં સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે કાલાવડ રોડ પર વરુડી ડેરીફાર્મ પાસે ફૂડ લાયસન્સ, યુનિવર્સિટી રોડ પર પીઝા ક્નટ્રીમાં તપાસ કરતાં ત્યાં ગંદકી, ઓમ કાલી પાણીપૂરીમાં ગંદકી અને લાયસન્સ ન હોવાનું ખુલ્યું હતું. આવી જ રીતે કેકેવી ચોક પાસે એસ.એન.ફૂડમાં તપાસ કરતાં ત્યાં પણ ગંદકી જોવા મળતાં નોટિસ ફટકારાઈ હતી તો સત્યસાંઈ રોડ પર બાલાજી ફ્રૂટસ પાસે લાયસન્સ ન હોવાનું ખુલ્યું હતું.
જ્યારે વરુડી ડેરી ફાર્મમાંથી અમુલ ગોલ્ડ ફૂલ ક્રિમ મીલ્ક, એવન્યુ સુપર માર્કેટ લિમિટેડ (ડી-માર્ટ)માંથી યાકુલ્ટ પ્રોબાયોટિક ફૂડ ફર્મેન્ટેડ મિલ્ક ડ્રીન્ક, એસ્ટ્રોન સિનેમાની બાજુમાં શ્રી પટેલ સ્વીટમાંથી કેસર શિખંડ, રબમલાઈ પનીર અને મીઠા માવાનો નમૂનો લેવામાં આવ્યો હતો.