૨૦૩ કરોડની જમીન ઉપર ૫૭ ઝુંપડા, ચાની હોટેલ-સર્વિસ સ્ટેશન બની ગયા !!
વૉર્ડ નં.૪-૫માં ટીપી સ્કીમ માટેના અલગ-અલગ પ્લોટમાં મેગા ડિમોલિશન કરતી મહાપાલિકા
રાજકોટમાં મહાપાલિકાના લાખો-કરોડોની કિંમતના અનેક પ્લોટ આવેલા છે જે ટાઉન પ્લાનિંગ (ટીપી) સ્કીમ માટે અનામત રાખવામાં આવ્યા હોવાથી સ્કીમ સાકાર થાય નહીં ત્યાં સુધી તે ખાલી જ પડ્યા રહે છે. આ વાતનો ફાયદો ઉઠાવી દબાણકર્તાઓ દ્વારા પારકી જમીનને પોતાની ગણી ઝુંપડા બાંધવા, વ્યવસાયિક ઉપયોગ કરવા સહિતની પ્રવૃત્તિ શરૂ કરી દેવામાં આવે છે. આવું જ કંઈક વૉર્ડ નં.૪ અને વૉર્ડ નં.૫માં થઈ ગયું હોવાનું ધ્યાન પર આવતાં મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાના બૂલડોઝરના કાફલાએ ધણધણાટી બોલાવી તમામ દબાણો તોડી પાડ્યા હતા.
આ સાથે જ ૨૦૩ કરોડ રૂપિયાની જમીન ખુલ્લી થઈ ગઈ હતી. ટાઉન પ્લાનિંગ શાખાએ પેડક રોડ પર ઓડિટોરિયમની પાછળ ટીપી સ્કીમ નં.૮ (રાજકોટ), ફાઈનલ પ્લોટ ૧૯૧ (શાળા અને રમત-ગમત હેતુ) કે જેની કિંમત ૪૦.૧૨ કરોડ રૂપિયા થાય છે ત્યાં બંધાયેલા ૮ ઝુંપડા તોડી પાડ્યા હતા. આવી જ રીતે મોરબી રોડ જકાતનાકા પાસે ટીપી સ્કીમ નં.૧૨માં ૩૦.૮૯ કરોડની જમીન પર ૧૫ ઝુંપડાઓ, ૧ ઓરડી, મોરબી રોડ જકાતનાકા પાસે ટીપી સ્કીમ નં.૧૨માં ૨૫.૧૩ કરોડની જમીન પર ૪ ઝુંપડાઓ તેમજ રેતી કપચીના સટ્ટા ૨, મોરબી રોડ પર શાંતિ બંગ્લોઝની સામે ટીપી સ્કીમ નં.૧૭માં ચાની ૨ હોટેલ અને ૧ સર્વિસ સ્ટેશન, મોરબી રોડ પર શાંતિ બંગ્લોઝની સામે ટીપી સ્કીમ નં.૧૫માં ૧૦ કાચા ઝુપડા, ઈંટથી બનાવેલી ૩ કાચી ઓરડી ઉપરાંત ૧ રેસ્ટોરન્ટની કાચી ઓરડી, પતરાના ત્રણ કાચા શેડ અને ૨૦ ઝુંપડાઓ તોડી પાડવામાં આવ્યા હતા. આ રીતે ૨૦૩.૧૫ કરોડની ૩૭૮૬૧ ચોરસમીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
