૪૦૦થી વધુ દાળ-પકવાનની રેંકડી-દુકાન પર ખવાઈ જાય છે ૫,૦૦૦ પ્લેટ !
અનેકને સવારના પ્હોરમાં જોઈએ તો અનેકને બપોરના ભોજનમાં…
એક સમયે રાજકોટમાં પાંચ રૂપિયાની પ્લેટ મળતી જે હવે ૪૦ રૂપિયે પહોંચી ગઈ છતાં ખાવાના રેટ'માં નથી આવ્યો ઘટાડો
પકવાન તૈયાર મળવા લાગતાં દુકાન-રેંકડીની સંખ્યામાં પણ થયો વધારો
ગરમાગરમ દાળ સાથે મસમોટું પકવાન'ને અલગ-અલગ ચટણી, માથે ડુંગળીનો
શણગાર’ સાથેની એક પ્લેટ ખવાય એટલે ધરાઈ જવાની પૂરી ગેરંટી

દાળ-પકવાન…આ એક વાનગી નથી પરંતુ રાજકોટની રગેરગમાં વસ્તી ડિશ છે. વહેલી સવારે જુઓ કે બપોરે એકના ટકોરે જુઓ દાળ-પકાનની દુકાન-રેંકડી બહાર ભીડ જોવા ન મળે તો જ નવાઈ પામવા જેવું રહે છે. ઘણા સ્વાદશોખીનો એવા છે જેમને સવારના પ્હોરમાં દાળ-પકવાન દાબવા જોઈએ તો અનેક લોકો માટે આ બપોરનું ભોજન છે. રાજકોટમાં એક સમયે માત્ર શંકર દાળ-પકવાન હતું જે એકદમ પ્રચલિત હતું પરંતુ આજની તારીખે શહેરમાં ૪૦૦થી વધુ દાળ-પકવાનની નાની-મોટી રેંકડી-દુકાન છે જ્યાંથી દરરોજ ૫,૦૦૦થી વધુ પ્લેટ ખવાઈ જતી હોવાનો અંદાજ છે.

એક સમય હતો જ્યારે રાજકોટમાં દાળ-પકવાનની પ્લેટ પાંચ રૂપિયામાં મળતી હતી જેનો ભાવ આજે ૪૦ રૂપિયે પહોંચી ગયો છતાં ખાવાના રેટ'માં કોઈ પ્રકારનો ઘટાડો આવ્યો નથી. જો કે દાળ-પકવાનમાં અલગ-અલગ પ્રકારનું
વેરિયેશન’ ઘણું બધું આવી ગયું છે. બીજી બાજુ લોકોને દાળ-પકવાન ઝાપટવાના અભરખામાં પણ વધારો થઈ જતાં દુકાન-રેંકડીની સંખ્યામાં વધારો થઈ ગયો છે. એક સમયે રાજકોટમાં ગણીગાંઠી જ દુકાન અને રેંકડી હતી પરંતુ જેમ જેમ માંગ વધતી ગઈ તેમ તેમ દુકાન-રેંકડી પણ વધતાં ગયા અને આજે આ વાનગી ઘણા લોકોને રોજગાર પૂરો પાડી રહી છે. બીજી બાજુ દાળ સાથે ખવાતું પકવાન તૈયાર મળવા લાગતાં ધંધાર્થીઓ-ખાનારા બન્નેને રાહત' થઈ ગઈ છે. ગરમાગરમ દાળ સાથે મસમોટું પકવાન સાથે અલગ-અલગ પ્રકારની ચારેક ચટણી અને માથે ડુંગળીનો
શણગાર’ કરેલા દાળ પકવાનની એક પ્લેટ ખવાય એટલે ધરાઈ જવાની પૂરી ગેરંટી રહેલી છે આમ છતાં ઘણા સ્વાદશોખીનો આ વાનગીની બે પ્લેટ ખાય તો જ તેમને ઓડકાર પણ આવતો હોય છે ! વળી, તેમાં પણ તીખું, મીડિયમ અને મોળું એમ ત્રણ પ્રકારની કેટેગરી હોય છે ત્યારે વધુ પડતી પ્લેટ મીડિયમ સ્વાદની જ ખાવાનો આગ્રહ લોકો રાખતા હોય છે. દાળ-પકવાન સાથે ઘણા લોકો છાશ તો ઘણા કોલ્ડ્રીંક્સ લેવાનું પસંદ કરતા હોય છે.
રામનાથપરાના આશાપુરા દાળ પકવાનનો ટેસ્ટ હજુ અણનમ'
છેલ્લા ૩૫ વર્ષથી રામનાથપરામાં આવેલા હર મંદિરની સામે આવેલા આશાપુરા દાળ-પકવાનનો ટેસ્ટ હજુ સુધી
અણનમ’ રહેવા પામ્યો છે. અહીંની ખાસિયત એ છે કે પકવાન આખું મળે છે. ઘણીખરી દુકાન-રેંકડી પર પકવાનનો ભૂક્કો કરી નાખવામાં આવે છે પરંતુ અહીં તો મહત્તમ ગ્રાહકો આખું પકવાન ખાવાનો જ આગ્રહ રાખતા હોય છે. વળી, તેમાં દાળ, સેવ, ચાર પ્રકારની ચટણી જેમાં મીઠી ચટણી, લીલી ચટણી, ફુદીનાની ચટણી અને ખાટી ચટણી સામેલ હોય છે. ઉપરથી તેમાં ડુંગળી નાખવામાં આવે છે. અહીંનો સ્વાદ માણવો હોય તો સવારે ૬:૩૦થી સાંજે ૬:૩૦ સુધીમાં કોઈ પણ સમયે જઈ શકાશે.
નવો ટે્રન્ડ: દાળ-પકવાન સાથે હવે ભૂંગળા-બટેટાનો જોટો'
કોઈ પણ વાનગી હોય તેમાં અથવા તો તેની સાથે કોઈ
અખતરો’ ન કરે તો તેને રાજકોટીયન્સ ન કહેવાય…હવે રાજકોટમાં અનેક સ્વાદશોખીનો દાળ-પકવાનની સાથે ભૂંગળા-બટેટાનો `તીખારો’ પણ માણી રહ્યા છે. જો કે આ બન્ને વાનગી એક સાથે પચાવવી અઘરી પડી હોવા છતાં તેની ફિકર કોઈ કરતું નથી. પકવાન મેંદાથી બનેલું હોય છે જ્યારે ભૂંગળા તળેલા હોય છે પરંતુ તેની ચિંતા કોણ કરે ?
દાળ-પકવાનમાં દાળનો ટેસ્ટ' સૌથી મહત્ત્વનો
આશાપુરા દાળ-પકવાનના માલિક પંકજ મૂલચંદાણી જણાવે છે કે દાળ-પકવાનમાં સૌથી મહત્ત્વની જો કોઈ વસ્તુ હોય તો તે દાળનો
ટેસ્ટ’ હોય છે. આમ તો દાળ બાફેલી હોય છે પરંતુ તેમાં અમુક મસાલા એડ કરવાના હોય છે જે પ્રમાણસર હોય એટલે તેનો કલર અને સ્વાદ બન્ને નીખાર લાવે છે. આ જ કારણથી અત્યારે લોકો આશાપુરા દાળ પકવાનમાંથી ડિશ ખાવાનો આગ્રહ વધુ રાખે છે. બીજું એ કે અત્યારે પકવાન સહિતનું ઘણું બધું તૈયાર મળતું હોવાથી ધંધાર્થીઓને પણ સરળતા રહે છે.