મકાન માલિકે મનપાના પ્લોટમાં કાટમાળ ફેંક્યો’ને ૫,૦૦૦નો દંડ
હવે ભૂલ કરે એટલે તુરંત બાંધકામ અટકાવી દેવા આદેશ
મહાપાલિકા દ્વારા સ્વચ્છતા બાબતે જરા પણ કાચું કપાઈ ન જાય તે માટે કમર કસી લીધી છે. તાજેતરમાં જ સ્ટેન્ડિંગ કમિટીએ ગંદકી ફેલાવનારા તત્ત્વો સામે દંડરૂપી કોરડાને મંજૂરી આપી છે જેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો હોય તેવી રીતે ત્રણેક દિવસ પહેલાં એક કેટરર્સ પાસેથી પાંચ હજારનો દંડ વસૂલાયો હતો. જ્યારે હવે નાનામવા ચોકમાં મનપાના પ્લોટમાં બાંધકામ વેસ્ટ નાખવા બદલ મકાન માલિકને ૫,૦૦૦નો દંડ ફટકારાયો છે.
મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા વોર્ડ નં.૮ના નાનામવા ચોકમાં આવેલા ગ્રાઉન્ડમાં બાંધકામ વેસ્ટ ફેંકી રહેલા મકાન માલિક વિશાલભાઈને રંગેહાથે પકડી લઈ તેની પાસેથી ૫,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. બીજી બાજુ મ્યુનિ.કમિશનર દ્વારા હવે બીજી વખત વિશાલ બાંધકામ વેસ્ટનો આ રીતે નિકાલ કરે એટલે તેનું બાંધકામ અટકાવી દેવાનો આદેશ પણ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બાંધકામ વેસ્ટના નિકાલ માટે નાકરાવાડી યાર્ડ ખાતે પ્લાન્ટનું કામકાજ ચાલી રહ્યું છે જે માર્ચ મહિનામાં શરૂ થઈ જવાનું છે.
