મોરબી રોડ પરથી ફુગ ચડી ગયેલો ૪૫૦૦ કિલો મીઠો (ઝેરી) માવો પકડાયો
આ માવાથી બનેલી મિઠાઈ ખાધી એટલે બીમાર પડશો જ એ પાક્કું !
ઉલટી થઈ જાય તેવી ફૂગ માવા પર ચડી ગઈ’તી !: અહીં બનેલા માવાની આખા રાજકોટમાં સપ્લાય થતી હતી: ગોડાઉનની બાજુમાં જ આવેલી સીતારામ ડેરીમાંથી ૨૧૦ કિલો વાસી મિઠાઈ-શીખંડ મળતાં નાશ
રાજકોટમાં પહેલી વખત આટલી મોટી માત્રામાં માવો પકડાયો
રાજકોટમાં અત્યારે શુદ્ધ અને ખાવાલાયક વાનગી ક્યાં મળતી હશે તે એક મોટો પ્રશ્ન બની ગયો છે ! જે પ્રમાણે ફૂડ શાખા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગ કરીને વાસી તેમજ અખાદ્ય પદાર્થો પકડાઈ રહ્યા છે તેને જોતાં બહારનું ખાવાના શોખીનો પણ હવે જે તે જગ્યાએ ઉભા રહીને ખાતાં ગભરાઈ રહ્યા છે. આવો જ એક મોટો દરોડો મોરબી રોડ પર ફૂડ શાખાએ પાડીને અધધ ૪૫૦૦ કિલો મીઠો (ઝેરી) માવો પકડી પાડતાં ચકચાર મચી જવા પામી છે. એકંદરે આ માવો તેમજ તેમાંથી બનેલી મિઠાઈની આખા રાજકોટમાં સપ્લાય થઈ રહી હોય લોકોમાં પણ ચિંતા વ્યાપી જવા પામી છે.
ફૂડ શાખાના ડેઝિગ્નેટેડ ઑફિસર હાર્દિક મેતા, ફૂડ સેફ્ટી ઑફિસર કે.એમ.રાઠોડ, કે.જે.સરવૈયા, આર.આર.પરમાર સહિતની ટીમે રાજલક્ષ્મી એવન્યુ મેઈન રોડ, રેલવે ફાટકથી અંદર મોરબી રોડ પર આવેલી અશોક પરસોત્તમભાઈ સંખાવડાની સીતારામ ડેરીફાર્મમાં દરોડો પાડતાં ત્યાંથી અંદાજે ૧૫૦ કિલો વાસી મિઠાઈ કે જે લગ્ન સહિતના પ્રસંગોમાંથી પરત આવી હોય તે તેના ઉપરાંત ઘણા સમયથી પડતર હોય તેવી મિઠાઈનો જથ્થો કોલ્ડ સ્ટોરેજમાંથી મળી આવ્યો હતો. આ ઉપરાંત ૬૦ કિલો જેટલું વાસી શીખંડ પણ મળી આવ્યું હતું. ત્યારબાદ ડેરીનું જ બાજુમાં એક મોટું ગોડાઉન આવેલું હોય ત્યાં ચેકિંગ કરવામાં આવતાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહી રાખેલો ૪૫૦૦ કિલો મીઠો માવો મળી આવ્યો હતો જેનું પ્રાથમિક પરિક્ષણ કરાતાં તે ખાવાલાયક નહીં હોવાનું જણાયું હતું. માવાને અલગ-અલગ પેકેટમાં પેક કરીને રાખવામાં આવ્યો હતો પરંતુ પેકેટ ઉપર નિયમ પ્રમાણેની કોઈ જ માહિતી ઉપલબ્ધ ન્હોતી તેમજ પેકેટ ઉપર ફૂગ સાફ દેખાઈ રહી હતી.