રાજકોટમાં 41.7 ડિગ્રી : સૌરાષ્ટ્રમાં આજથી ત્રણ દિવસ હીટવેવ
લોકોને કામ વગર તડકામાં ન નીકળવાં,લીંબુ પાણી, ઓઆરસેસ લેવા અનુરોધ
રાજકોટ : ઉનાળાની શરૂઆતમાં જ સૂર્યદેવતા આકરો મિજાજ બતાવી રહ્યા છે ત્યારે સીઝનમાં પહેલી વખત જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તેમજ બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને સુરત જિલ્લામાં હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ હીટવેવનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે લોકોને યલો એલર્ટમાં સાવચેત રહેવા સલાહ જારી કરી કામ વગર તડકામાં જવાનું ટાળવાની સાથે તરસ લાગી ન હોય તો પણ લોકોને પાણી પીવા તેમજ લીંબુ પાણી, ઓઆરસેસ લેવા અનુરોધ કર્યો છે. બીજી તરફ હીટવેવ વગર પણ સોમવારે મહત્તમ તાપમાનનો પારો 41.7 ડિગ્રીને આંબી ગયો હતો.
રાજ્યમાં ઉનાળા પૂર્વે જ આકરા તડકાની શરૂઆત થઇ છે ત્યારે રવિવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી નોંધાયા બાદ સોમવારે રાજકોટમાં 0.6 ડિગ્રીના વધારા સાથે રાજકોટમાં મહત્તમ તાપમાન 41.7 ડિગ્રીએ પહોંચી ગયો હતો. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આજથી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી, અમરેલી, ગીર-સોમનાથ, કચ્છ અને દીવ તેમજ બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ અને સુરત જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસ દરમિયાન હવામાન વિભાગે નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી કામ વગર તડકામાં જવાનું ટાળવાની સાથે તરસ લાગી ન હોય તો પણ લોકોને પાણી પીવા તેમજ લીંબુ પાણી, ઓઆરસેસ લેવા અનુરોધ કર્યો છે.
સોમવારે રાજ્યમાં સૌથી ઉંચુ તાપમાન ભુજ ખાતે 42 ડિગ્રી, સુરતમાં 41.8 ડિગ્રી, રાજકોટમાં 41.7 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગરમાં 40.4, નલિયામાં 40.2, અમરેલીમાં 40 ડિગ્રી, વડોદરામાં 39.8, દીવમાં 39.4, ભાવનગર અને પોરબંદરમાં 39.2, ડીસામાં 39.1, કંડલામાં 35.6, દ્વારકામાં 33.6 અને ઓખામાં 31.0 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.