રાજકોટ જિલ્લામાં ૪ નવી GIDC બનશે
પીપરડી, માખાવડ, કોટડા સાંગાણી અને બામણબોરમાં ઉદ્યોગોને પ્રોત્સાહન
આપવા સરકારનું પગલું: માખાવડ અને બામણબોરમાં અભિપ્રાય પણ આવી ગયા
ઇન્ડસ્ટ્રીઝ હબ ગણાતા રાજકોટ જિલ્લામાં સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વધુ ચાર જીઆઇડીસી નિર્માણ કરવા તૈયારી શરૂ કરી છે જે અન્વયે રાજકોટના પીપરડી, બામણબોર લોધિકાના માખાવડ અને કોટડા સાંગાણીમાં જીઆઇડીસી મંજુર કરવામાં આવી છે જેમાં માખાવડ અને બામણબોરમાં ડેપ્યુટી કલેકટરનો અભિપ્રાય પણ આવી ગયો હોવાનું તેમજ બાકીની ૨ જીઆઇડીસીમાં અભિપ્રાય બાકી હોવાનું જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું.
ઓઇલ એન્જીનથી લઈ ઓટો એન્સલરી, સબ મર્સીબલ પમ્પ, પીવીસી પાઇપ, ટીએમટી સળિયા, મેડિકલ સર્જીકલ ઇકવીપમેન્ટ, ફાઉન્ડરી, વોચ કેશ, હાર્ડવેર પ્રોડક્ટ અને કિચન એસેસરીઝ સહિતના ઉદ્યોગોનું હબ ગણાતા રાજકોટ જિલ્લામાં હજુ વધુને વધુ ઉદ્યોગો વિકસે તે માટે સરકાર પ્રયત્નશીલ છે ત્યારે રાજકોટ જિલ્લામાં રાજકોટના પીપરડી, બામણબોર લોધિકાના માખાવડ અને કોટડા સાંગાણીમાં ચાર નવી જીઆઇડીસી મંજુર કરવામાં આવી હોવાનું જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું.
વધુમાં રાજકોટ જિલ્લામાં અસ્તિત્વમાં આવનાર આ ચાર નવી જીઆઈડીસીમાં પીપરડીમાં ૧૦૦ હેકટર, માખાવડમાં ૧૪ હેકટર, કોટડામાં ૧૨૨ હેકટર અને બામણબોરમાં ૫૯ હેકટર જમીન ઉપર જીઆઇડીસી બનશે જેમાં માખાવડ અને બામણબોરમાં ડેપ્યુટી કલેકટરનો અભિપ્રાય પણ આવી ગયો હોવાનું તેમજ પીપરડી અને કોટડા સાંગાણીમાં અભિપ્રાય બાકી હોય ટૂંક સમયમાં જ ચારેય જીઆઇડીસી પ્રોજેક્ટને આગળ ધપાવવામાં આવનાર હોવાનું જિલ્લા કલેકટર દ્વારા જણાવાયું હતું.