બંગડી બજારમાં પરિમલ હેન્ડીક્રાફ્ટમાં ૩ માળમાં આગ: એક ફાયરમેન ઘાયલ
૬ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાઈ: વધુ એક ડોમમાં આગ છતાં તંત્રની કાર્યવાહી કરવામાં ઉદાસીનતા
૪૦ લાખથી વધુનું નુકસાન ગયાનો માલિકનો દાવો
લોકોની અવર-જવરથી હંમેશા ભરચક્ક રહેતા એવા બંગડી બજાર વિસ્તારમાં પખવાડિયા પહેલાં ભાભા બજાર નામના કોમ્પલેક્સમાં આગ લાગ્યા બાદ હવે અન્ય એક કોમ્પલેક્સમાં આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી. અહીં લાગેલી આગ ઓલવવા જતાં એક ફાયરમેન ઘાયલ થઈ જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે સવારે ૧૦:૦૯ વાગ્યે ફાયર બ્રિગેડને બંગડી બજાર, ૧૦ કડિયા નવલાઈન, ઘી-કાંટા રોડ પર આવેલા પરિમલ હેન્ડીક્રાફ્ટમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. આ પછી ફાયર બ્રિગેડે દોડી જઈ જોતાં પરિમલ હેન્ડીક્રાફ્ટના ત્રીજા, ચોથા અને પાંચમા માળે આગ લાગેલી જોવા મળતાં જ તાત્કાલિક પાણીનો મારો ચલાવાયો હતો. આગને કારણે હેન્ડીક્રાફ્ટનો સામાન જેમાં તોરણ, ઝુમ્મલ, પાટલા, બાજોટ, છાબ સહિતનો સામાન બળીને ખાક થઈ જવા પામ્યો હતો. સદ્ભાગ્યે આગને કારણે કોઈ પ્રકારની જાનહાની થવા પામી નથી. જો કે આગ ઓલવવા જતાં હરેશભાઈ શિયાળ નામના ફાયરમેનનો હાથ દાઝી જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
આગ લાગતાં જ પરિમલ હેન્ડીક્રાફ્ટના માલિક વિપુલભાઈ જોબનપુત્રા તેમજ આલાપ જોબનપુત્રા દોડી આવ્યા હતા.આ આગ કયા કારણોસર લાગી તેની જાણકારી સામે આવી નથી પરંતુ આગને કારણે ચાલીસ લાખ રૂપિયા જેટલું નુકસાન થયાનો દાવો માલિક વિપુલ જોબનપુત્રા દ્વારા કરવામાં આવ્યો હતો.