રાજકોટમાં આઠ જ મહિનામાં દારૂની 3836 પરમીટ ઈશ્યુ
મૈકદે ઝૂમતે પૈમાનો મૈ હોતી હલચલ…..નશા શરાબ મે હોતા તો નાચતી બોતલ
સિવિલ હોસ્પિટલના ધડાધડ અભિપ્રાય શંકાના દાયરામાં : વર્ષ 2023માં 3604 હેલ્થ પરમીટ ઈશ્યુ થઇ હતી
નશે મૈ કૌન નહીં હૈ મુઝે બતાઓ જરા, કિસે હૈ હોશ મેરે સામને તો લાઓ જરા, “નશા હૈ સબ પે મગર રંગ નશે કે હૈ જુદા” બૉલીવુડ ફિલ્મ શરાબીનું આ ગીત પીવાના શોખીનો માટે હોટફેવરિટ છે ત્યારે રાજકોટ જિલ્લામાં ઉપરોક્ત ગીત કરતા પણ દારૂની પરમિટ કઢાવવાનો નશો હાલમાં ચરમ સીમાએ છે, હાલમાં મોરબી જિલ્લો અલગ હોવા છતાં નશાબંધી વિભાગના સરકારી ચોપડે રાજકોટ અને મોરબી બન્ને એક જ જિલ્લામાં છે અને બન્ને જિલ્લામાં મળી છેલ્લા આઠ મહિનામાં રીન્યુ અને નવી મળી 3836 હેલ્થ પરમીટ ઈશ્યુ થઇ હોવાના આંકડા સામે આવ્યા છે.
પૂજ્ય મહાત્મા ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂ બંધી અમલમાં છે છતાં મુંબઇ વિદેશી દારૂ નિયમો, 1953ના નિયમ 64 હેઠળ ગુજરાત રાજયમાં વસતી વ્યકિતઓને પોતાનું આરોગ્ય જાળવવા અથવા નિભાવવા માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજામાં રાખવા, વાપરવા અને ઉપભોગ માટે સ્વાસ્થ્ય પરમિટ મળી શકે છે.ખાસ કરીને 40 વર્ષથી વધુ વયની વ્યક્તિને અનિંદ્રા સહિતના રોગ માટે દારૂ સેવનની પરમીટ ઈશ્યુ કરવામાં આવે છે જેમાં જે તે હેલ્થ પરમીટ લેવા ઇચ્છુક વ્યક્તિને નશાબંધી વિભાગમાંથી વિના મૂલ્યે અરજી ફોર્મ મેળવ્યા બાદ 2000 રૂપિયા પ્રોસેસ ફી અને 2000 રૂપિયા આરોગ્ય તપાસણી ફી ભરવાની રહે છે.
ત્યાર બાદ રાજકોટ અને મોરબી બન્ને જિલ્લાના હેલ્થ પરમિટ મેળવવા ઇચ્છુક નાગરિકોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અનિંદ્રા જેવા રોગની તપાસણી કરવામાં આવે છે અને સરકારના નિયમ મુજબ પ્રતિ યુનિટ રૂપિયા 5000 એક વર્ષના લેખે 40 વર્ષથી વધુ ઉંમરના નાગરિકને વધુમાં વધુ 3 યુનિટ વિદેશી દારૂ સેવન કરવા માટેનો અભિપ્રાય આપવામાં આવે છે. નોંધનીય છે કે,પારદર્શી ગુજરાત સરકારના રાજમાં રાજકોટ સિવિલ હોસ્પિટલની રોગી કલાયન સમિતિ દ્વારા વિદેશી દારૂના સેવન માટેની હેલ્થ પરમીટ ઈશ્યુ કરવા માટેના તબીબી અભિપ્રાયના બદલામાં સૌથી ઉંચી એક યુનિટ દીઠ 5000 રૂપિયા એટલે કે 3 યુનિટની પરમીટ લેનારને એક વર્ષના 15 હજાર લેખે ત્રણ વર્ષના ત્રણ યુનિટના 45 હજાર ચૂકવ્યા બાદ આ અભિપ્રાય નશાબંધી વિભાગમાં મોકલવામાં આવતા ત્યાં ઓનલાઇન ચલણ ભરી તુરત જ હેલ્થ પરમીટ ઈશ્યુ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીના ગુજરાતમાં અનિંદ્રા સહિતના રોગના નામે ઈશ્યુ થતી હેલ્થ પરમીટમાં સૌથી મહત્વનો રોલ જે-તે સિવિલ હોસ્પિટલનો હોય છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તો હેલ્થ પરમીટ આપવાની કામગીરી જાણે વિશ્વયુદ્ધની ગુપ્ત કામગીરી હોય તેવો ડહોળ કરીને હેલ્થ પરમીટ માટે કેટલા અભિપ્રાય આપવામાં આવ્યા ? કેટલા અભિપ્રાય નકારવામાં આવ્યા અને આખરે તો રોગીઓના કલ્યાણ માટે એકત્રિત કરવામાં આવતા ભંડોળમાં હેલ્થ પરમીટ ધારકો પાસેથી કેટલું ભંડોળ મેળવવામાં આવ્યું તે સહિતની વિગતો છુપાવામાં આવી રહી છે ત્યારે વર્ષ 2023માં રાજકોટમાં 3604 અને ચાલુ વર્ષ 2024માં 31 જુલાઈ સુધીમાં 3836 પરમીટ રીન્યુ-ઈશ્યુની કામગીરી થઇ હોવાના આંકડા સામે આવ્યા છે.
રાજકોટ, ગોંડલ અને મોરબીમાં નવ વાઇનશોપ
અનિંદ્રા જેવા રોગ માટે હેલ્થ પરમિટના નામે મેળવવામાં આવતી દારૂની પરમીટ ઈશ્યુ થયા બાદ પીવાના શોખીનોને વિદેશી શરાબ, બિયર, સ્કોચ, વાઈન જેવી વેરાયટીઓ આસાનીથી મળી શકે તે માટે રાજકોટ શહેરમાં સાત, એક ગોંડલ અને એક વાઇનશોપ મોરબીમાં કાર્યરત હોવાનું જાણવા મળે છે.
ટુરિસ્ટ પરમીટની સતા વાઇનશોપના મેનેજરને
દેશના અન્ય રાજ્યમાંથી આવતા કે વિદેશથી આવતા નાગરિકો પણ પોતાના અન્ય રાજ્યના રહેઠાણના પુરાવા અને ગુજરાતમાં આવ્યા હોવાના મુસાફરીના પુરાવા રજૂ કર્યે કોઈપણ સરકારમાન્ય વાઇનશોપમાંથી નક્કી કરેલા નિયમ મુજબ વિદેશી દારૂ બિયર મેળવી શકે છે, જો કે, નશાબંધી કાયદા મુજબ આવી ટુરિસ્ટ પરમીટની સતા જે તે વાઇનશોપના મેનેજરને આપવામાં આવેલ હોવાથી ખાસ કરીને પરપ્રાંતીય શ્રમિકોના મુસાફરીના પુરાવા મેળવી શરાબ શોખીનો આસાનીથી ઓરીજનલ વિદેશી દારૂ મેળવી રહ્યા છે અને ટુરિસ્ટ પરમીટમાં જાજી કડાકૂટ પણ ન હોય વાઇનશોપ સંચાલકોની મોનોપોલી ચાલી રહી છે.