‘મામું’ બનાવ્યાના રોષ સાથે આજથી ૩૫૦૦ સરકારી ડૉક્ટરોની હડતાલ
રાજકોટ સિવિલના ૨૨૫ તબીબો પણ કામગીરીથી રહેશે અળગા
સ્ટાઈપેન્ડમાં ૪૦%ની જગ્યાએ ૨૦% જ વધારો થતાં ફાટી નીકળ્યો રોષ
છ મહિનાથી રજૂઆતો છતાં કોઈ જ રસ્તો ન નીકળતો હોય આખરે ઉગામ્યું હડતાલનું શસ્ત્ર
રાજકોટ સહિત આખા રાજ્યમાં તબીબોની હડતાલનો સિલસિલો અટકવાનું નામ જ લઈ રહ્યો ન હોય તેવી રીતે એક બાદ એક હડતાલ પડી રહી છે. તાજેતરમાં જ કોલકત્તામાં જુનિયર તબીબ પર દુષ્કર્મ બાદ હત્યા કરાયાની જઘન્ય ઘટનાના વિરોધમાં હડતાલ પાડ્યા બાદ હવે આજથી આખા રાજ્યના રેસિડેન્ટ તબીબો હડતાલ પર ઉતરશે. સરકાર દ્વારા સ્ટાઈપેન્ડ વધારવામાં
મામું’ બનાવ્યાના રોષ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલના ૨૨૫ સહિત આખા રાજ્યના ૩૫૦૦ તબીબો આજથી કામગીરીથી અળગા થઈ જશે.
સરકાર દ્વારા તાજેતરમાં જ રેસિડેન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમાં ૨૦%નો વધારો કરવામાં આવ્યો હતો જે ના-કાફી હોવાનું જણાવી તબીબો આજથી હડતાલ ઉપર ઉતરશે. તબીબોના જણાવ્યા પ્રમાણે ૨૦૦૯થી તેમને ૪૦% વધારો મળતો આવ્યો છે પરંતુ આ વખતે તે માત્ર ૨૦% જ છે. વળી, સ્ટાઈપેન્ડમાં વધારો ત્રણની જગ્યાએ પાંચ વર્ષે કરવાનો નિર્ણય પણ તબીબોને ખુંચી રહ્યો છે. આ અંગે સરકાર સાથે બે ડઝન કરતા વધુ વખત રજૂઆત કરવા છતાં કોઈ જ નિર્ણય લેવામાં આવી રહ્યો નથી.
તબીબોએ રોષપૂર્વક જણાવ્યું કે છ મહિનાથી આ મુદ્દે આરોગ્ય મંત્રી ઉપરાંત આરોગ્ય વિભાગના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી અમારી માંગ સ્વીકારવામાં આવી નથી. આરોગ્ય મંત્રી દ્વારા સ્ટાઈપેન્ડમાં ૪૦% વધારો કરવામાં આવશે તેવું આશ્વાસન અપાયું હતું જે પણ ઠગારું નિવડ્યું છે. એકંદરે હવે સરકાર ઉપર તબીબોને બિલકુલ ભરોસો રહ્યો ન હોવાથી હડતાલ પાડવામાં આવી રહી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યારે ૨૨૫ રેસિડેન્ટ તબીબો ફરજ બજાવે છે ત્યારે તેઓ પણ આ હડતાલમાં જોડાશે. જો કે ઈમરજન્સી કેસમાં સારવાર કરવી કે નહીં તેનો નિર્ણય ટૂંક સમયમાં લેવાનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા મેડિકલ કોલેજના મેડિકલ ઈન્ટર્ન્સને ૨૧૮૪૦, ડેન્ડલમાં ૨૦૧૬૦, ફિઝિયોથેરાપીમાં ૧૩૪૪૦ તેમજ આયુર્વેદ અને હોમિયોપેથી તબીબોને ૧૫૧૨૦ રૂપિયા વધારાનું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશષ તેવી જાહેરાત કરાઈ હતી.