જાદૂ: લોકદરબાર’માં આઠ વોર્ડના ૫૭૯માંથી ૩૧૪ પ્રશ્નોનો નિકાલ !
ડામરકામ, પેવિંગ બ્લોક, ડે્રનેજ લાઈન નાખવા સહિતના ૨૬૫ પ્રશ્નો પેન્ડીંગ રખાયા
અગાઉના લોક દરબારમાં ન જોવા મળી હોય તેવી ઝડપ આ વખતે દેખાઈ: કારણ શું ? લોકરોષ ઠારવા કે બીજું કાંઈ ?
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ ભાજપના શાસકો ઉપર શહેરીજનો દ્વારા વારંવાર માછલા ધોવાઈ રહ્યા હતા. અગ્નિકાંડ ઉપરાંત શહેરના દરેક વોર્ડમાં સફાઈથી લઈને પાણી સુધી અને રસ્તાથી લઈને સ્ટ્રીટ લાઈટ સુધીની સમસ્યાઓ રોજબરોજ સતાવી રહી હોય ભારોભાર રોષ વધી રહ્યો હતો. આ રોષને ઠારવા માટે પદાધિકારીઓ દ્વારામેયર તમારા દ્વારે’ શીર્ષક હેઠળ દરેક વોર્ડમાં લોક દરબાર યોજવામાં આવી રહ્યો છે જેમાં મોટાપાયે ફરિયાદો નોંધાઈ રહી છે. દરમિયાન વોર્ડ નં.૧થી ૮ના લોક દરબારમાં ૫૭૯ ફરિયાદો નોંધાઈ હતી જેમાંથી જાદૂઈ રીતે ૩૧૪ પ્રશ્નોનો નિકાલ કરી દેવામાં આવ્યો હોવાનું જાહેર કરાયું છે.
મનપા દ્વારા તા.૨૨થી લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે વોર્ડ નં.૧માં ૮૧ પ્રશ્નો આવ્યા હતા જેમાંથી ૬૯, વોર્ડ નં.૨માંથી ૪૬ જેમાંથી ૩૮, વોર્ડ નં.૩માં ૯૨ જેમાંથી ૧૬, વોર્ડ નં.૪માં ૯૨ જેમાંથી ૬૧, વોર્ડ નં.૫માં ૭૧ જેમાંથી ૩૩, વોર્ડ નં.૬માં ૩૯ જેમાંથી ૨૬, વોર્ડ નં.૭માં ૬૨ જેમાંથી ૪૦ અને વોર્ડ નં.૮માં ૯૬ જેમાંથી ૩૧ પ્રશ્નો મળી કુલ ૫૭૯માંથી ૩૧૪ પ્રશ્નોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. જ્યારે ૨૬૫ પ્રશ્નો ડામર રોડ, મેટલિંગ, પેવિંગ બ્લોક નાખવા, રિપેર કરવા, વરસાદી પાણીના ભરાવા, ડે્રનેજ લાઈન નાખવા, નવી આંગણવાડી બનાવવા, નવા ગાર્ડન બનાવવા વગેરેના હોય મનપા દ્વારા એસ્ટીમેટ બનાવી તેનું પણ નિરાકરણ લાવવા પ્રયાસો કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. બાકીના ૪૬ પ્રશ્નો મનપા સિવાય અન્ય વિભાગોને લગત હોય તે લાગુ વિભાગને મોકલવામાં આવ્યા છે.
વોર્ડ નં.૧૧માં ૧૨૨ પ્રશ્નોનો ઢગલો
મનપા દ્વારા વોર્ડ નં.૧૧માં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગંદકી, પાણી, ડે્રનેજ, બાંધકામ સહિતના ૧૨૨ પ્રશ્નો રજૂ થયા હતા. આ વોર્ડમાં સિલ્વર સોસાયટી પાસે પાણી ભરાવા, આદર્શ સોસાયટી પાસે ખુલ્લા પ્લોટમાં બગીચો બનાવવા, પેવિંગ બ્લોક નાખવા, નિયમ સફાઈ કરાવવા, શ્રીનાથજી પાર્ક સોસાયટી પાસે ગેરકાયદે દબાણ દૂર કરવા, આંગણવાડીમાં બાળકોને બેસવા માટે વધારાની વ્યવસ્થા કરવા, ઓમ રેસિડેન્સીના ખૂણે આવેલા યુરિનલ ખોલવા, પીવાના પાણીમાં ગંદા પાણીનું મિશ્રણ થઈ જવા, નવા આરોગ્ય કેન્દ્ર અને કોમ્યુનિટી હોલ બનાવવા, અંબિકા ટાઉનશીપમાં રોડ-રસ્તા, સફાઈ કરાવવા સહિતની રજૂઆતો કરવામાં આવી હતી.
