રાજકોટમાંથી વધુ ૩ બોગસ પેઢી પકડાઈ
લોન લેવાના નામે ડોક્યુમેન્ટ મેળવી બોગસ પેઢી ઉભી કરી નાખી
રાજકોટ ઉપરાંત જૂનાગઢ, ભાવનગર, અમદાવાદની ૭ બોગસ કંપની પર ક્રાઈમ બ્રાન્ચનો દરોડો
સાતેય બોગસ પેઢીએ મળી ૭૯.૨૦ લાખની જીએસટી ક્રેડિટ મેળવી લીધાનો ખુલાસો: અગાઉ ૧૫ સામે ગુનો નોંધાયા બાદ વધુ ૭ ઝપટે ચડી
તમામનું કનેક્શન પત્રકાર મહેશ લાંગા અને તેના સગા મનોજ લાંગા સાથે જોડાયેલું
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ, આર્થિક ગુન્હા નિવારણ શાખા અને એસઓજી દ્વારા બોગસ પેઢી ઉભી કરી સરકાર પાસેથી કરોડો રૂપિયાની જીએસટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાના કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ એક બાદ એક બોગસ પેઢી પકડાઈ રહી છે. અગાઉ આવી ૧૫ બોગસ કંપનીઓ પકડી પાડ્યા બાદ આગળની તપાસમાં રાજકોટ, જૂનાગઢ, ભાવનગર અને અમદાવાદમાં ધમધમતી વધુ ૭ બોગસ પેઢી પકડી પાડી ગુનો નોંધવામાં આવ્યો છે.
આર્થિક ગુન્હા નિવારણ શાખાના ઈન્ચાર્જ પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ ત્રણેય બ્રાન્ચની ટીમ અત્યારે બોગસ પેઢી કૌભાંડના મુળ સુધી પહોંચવા માટે મથામણ કરી રહી છે. પોલીસે અગાઉ ૧૫ આવી બોગસ પેઢી પકડી પાડ્યા બાદ તેમાં વધુ ૭નો ઉમેરો થતાં આ આંકડો ૨૨એ પહોંચ્યો છે. આ કૌભાંડમાં સામેલ ૧૨ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે જેમાં પાંચ હજુ રિમાન્ડ ઉપર છે.
જે સાત પેઢી સામે ગુનો નોંધવામાં આવ્યો છે તેમાં `મા આશિષ કોમ્પલેક્સ’ દુકાન નં.૭, દોશી હોસ્પિટલ રોડ પરની શ્રી ક્રિષ્ના ટે્રડિંગ, એસ.એન.કે.સ્કૂલ પાછળ દર્શિત કોમ્પલેક્સમાં ઓફિસ નં.૨માં આવેલી યશ ડેવલોપર, જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે આવેલી બી.જે.ઓડેદરા, ભાવનગરના સુરભી મોલમાં ત્રીજા માળે આવેલી ઓમ ક્નસ્ટ્રક્શન, અમદાવાદના ઘૂમામાં વિભુસા રોડ પર ડી.એ.એન્ટરપ્રાઈઝ કે જે જેલની હવા ખાઈ રહેલા પત્રકાર મહેશ લાંગા અને તેના સગા મનોજ લાંગા સંચાલિત બોગસ પેઢી છે તે, સાધુ વાસવાણી સ્કૂલ સામે આવેલી આર.કે.એન્ટરપ્રાઈઝ અને જૂનાગઢના ટીંબાવાડી વિસ્તારમાં આવેલી ક્રિઝલ એન્ટરપ્રાઈઝનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં ખુલ્યા પ્રમાણે ક્રિષ્ના ટે્રડિંગના સંચાલક પાસેથી આ કૌભાંડમાં સામેલ શખ્સો દ્વારા લોન લેવાના નામે ડોક્યુમેન્ટ મેળવીને બોગસ પેઢી શરૂ કરી દેવામાં આવી હોવાનું ખુલ્યું છે ત્યારે આ કારસ્તાનમાં સામેલ કૌભાંડીઓ સુધી પહોંચવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી છે.
આ સાતેય બોગસ પેઢી દ્વારા ખોટા બિલના આધારે ૭૯,૨૦,૩૯૮ રૂપિયાની ટેક્સ ક્રેડિટ ચોરી કરવામાં આવી હોવાનું ખુલ્યું છે.