ફરવા જઉં છું સોશ્યલ મીડિયા પર પોસ્ટ મુકી’ને ઘરમાંથી ત્રણ લાખ ચોરાયા !
મહર્ષિ દયાનંદ ટાઉનશિપના મકાનને નિશાન બનાવનાર જૂનાગઢના તસ્કરને પકડતી ક્રાઈમ બ્રાન્ચ
છેલ્લા ઘણા સમયથી એવો ટે્રન્ડ શરૂ થયો છે કે લોકો ક્યાંક ફરવા જાય એટલે તે વાત પોતાના સોશ્યલ મીડિયા સ્ટેટસ ઉપર મુકતા હોય છે. આમ કરીને તેઓ પોતાના સંબંધીતોને જાણ કરતા હોય છે પરંતુ આ જાણ તસ્કરોને `માફક’ આવી જતી હોય તેમ તેનો લાભ લઈને હાથ સાફ કરવાનું ચૂકતા નથી. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે જ્યાં એક વ્યક્તિએ ફરવા જઉં છું તેવું સ્ટેટસ મુકતાં જ ઘરમાંથી ત્રણ લાખ ચોરાઈ ગયાની ફરિયાદ નોંધાઈ હતી જેનો ભેદ ઉકેલી પોલીસે તસ્કરને દબોચી લીધો છે.
ક્રાઈમ બ્રાન્ચ મુળ જૂનાગઢના આફતાબ મહેમુદભાઈ નૌબી (સીદી બાદશાહ) (ઉ.વ.22)ની ધરપકડ કરી છે જેણે થોડા સમય પહેલાં રેલનગર વિસ્તારમાં મહર્ષિ અરવિંદ ટાઉનશિપમાં ત્રાટકીને સેટી પલંગમાં રાખેલા રોકડ રૂા.ત્રણ લાખની ચોરી કરી હતી. આફતાબ્ા મકાન માલિક સાથે થોડા સમય પહેલાં એક જ વિસ્તારમાં રહેતો હોવાથી તેના પરિચીયમાં હતો. આ ઉપરાંત ફરિયાદી ગાડી લે-વેચનો ધંધો કરતો હોય તેના ઘરમાં પૈસા હોવા જ જોઈએ તેવી આફતાબને ખાતરી હતી એટલા માટે તેણે જેવી તક મળી એટલે તુરંત ચોરીને અંજામ આપ્યો હતો.
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે ફરિયાદીનો ફ્લેટ મહર્ષિ દયાનંદ ટાઉનશિપના સાતમા માળે આવ્યો હોય આફતાબ પહેલાં ત્યાં પહોંચ્યો હતો અને પછી બથરૂમની બારીમાં ઘૂસીને ત્યાંથી રૂમમાં પ્રવેશ કર્યો હતો અને ત્રણ લાખની ચોરી કરી હતી. પોલીસે આફતાબ પાસેથી 2.32 લાખ રૂપિયાની રોકડ કબજે કરી છે. આફતાબ સામે અગાઉ જામનગરમાં પ્રોહિબીશન તેમજ પાંચ મહિના પહેલાં પ્ર.નગર પોલીસ મથકમાં મોબાઈલ ચોરીનો ગુનો નોંધાયો છે.
