રાજકોટના આંગણે આજથી 3 દિવસની ન્યુરો સર્જન કોન્ફરન્સ : વિશ્વભરના ન્યુરો અને સ્પાઇન સર્જન ત્રણ દિવસ બનશે રાજકોટના મહેમાન
- 300 રિસર્ચ પેપર રજૂ થશે:કમર અને મણકાની સર્જરી માટે એઇમ્સમાં કેડવેરીક વર્કશોપ:મગજ અને મણકાની આધુનિક સારવાર પધ્ધતિ અંગે થશે ગહન ચર્ચા
આજના આધુનિક યુગમાં પણ મગજ અને મણકાની વૈશ્વિક સારવાર પદ્ધતિની ભારતમાં કમી છે ત્યારે રાજકોટના આંગણે 25 વર્ષના અંતરાલ બાદ રાજકોટ ન્યુરોસર્જન એસોસીએશનના યજમાન પદે ન્યુરોલોજીકલ સર્જન સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા ત્રણ દિવસીય ન્યુરો સર્જન કોન્ફરન્સ યોજાઈ રહી છે.
જેમાં રશિયા, કોરિયા, જાપાન, અમરિકા, ઇન્ડોનેશિયા, લંડન અને મલેશિયાના 20 વિશ્વપ્રસિદ્ધ તબીબો ઉપરાંત ભારતના ખ્યાતનામ ન્યુરો અને સ્પેઇન સર્જન હાજર રહી મગજ અને મણકાની આધુનિકમાં આધુનિક સારવાર પદ્ધતિ અંગે ભારતભરના ન્યુરો અને સ્પાઇન સર્જનને પ્રત્યક્ષ માર્ગદર્શન આપશે. ન્યુરો સર્જન કોન્ફરન્સમાં ન્યુરો નર્સીંગ સ્ટાફ માટે પણ ટ્રેનિંગ સેશન રાખવામાં આવ્યું છે.
રાજકોટ રાજકોટ ન્યુરોસર્જન એસોસીએશનના યજમાનપદે રાજકોટના આંગણે એઇમ્સ હોસ્પિટલ તેમજ રીજન્સી લગૂન ખાતે તા.28 ફેબ્રુઆરીથી લઈ 1 અને 2 માર્ચના રોજ ન્યુરોલોજીકલ સર્જન સોસાયટી ઓફ ઇન્ડિયાના ઉપક્રમે ત્રિ-દિવસીય ન્યુરો સર્જન કોન્ફરન્સ યોજવા જઈ રહી છે. આ કોન્ફરન્સ અંગે રાજકોટના ખ્યાતનામ ન્યુરો સર્જન અને રાજકોટ ન્યુરોસર્જન એસોસીએશનના પ્રમુખ ડો.પ્રકાશ મોઢાએ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં ન્યુરો અને સ્પાઇન સર્જરીક્ષેત્રે થઇ રહેલા નવા શોધ સંશોધનો અને નવી સારવાર પદ્ધતિ અંગે રાજકોટ સહિત દેશભરના ન્યુરો સર્જન લાભ લઇ શકે તે માટે રાજકોટ ખાતે નેશનલ લેવલની ન્યુરો સર્જન કોન્ફરન્સ યોજાઈ રહી છે. આ કોન્ફરન્સમાં દેશના 450થી વધુ ન્યુરો સર્જન ભાગ લઈ રહ્યા છે જેઓને વિદેશથી આવી રહેલા 20 તેમજ દેશના ટોચના 70 ન્યુરોસર્જન પોતાના બહોળા અનુભવ અને આધુનિક સારવાર પદ્ધતિ અંગે માહિતી ઉપરાંત વર્કશોપમાં પ્રત્યક્ષ સમજ આપશે.
રાજકોટ ખાતે 28મી ફેબ્રુઆરીથી યોજાઈ રહેલી નેશનલ ન્યુરો સર્જન કોન્ફરન્સમાં ન્યુરો અને સ્પાઇન સર્જનોને આધુનિક સારવાર પદ્ધતિ અંગે પ્રત્યક્ષ માહિતગાર કરવામાં આવનાર છે ત્યારે આ કોન્ફરન્સમાં રાજકોટ ખાતે 300થી વધુ રિસર્ચ પેપર રજૂ થનાર છે, આ ઉપરાંત કોન્ફરન્સમાં દેશ અને વિદેશમાંથી ઉપયોગમાં લેવામાં આવતી લેટેસ્ટ ટેક્નોલોજીના સાધનોનું પણ નિર્દશન થશે.
રાજકોટ ખાતે યોજાઈ રહેલી નેશનલ લેવલની ન્યુરો સર્જન કોન્ફરન્સમાં દેશ-વિદેશના તજજ્ઞ તબીબો દ્વારા ન્યુરો અને સ્પાઇન સર્જરી વિષે માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવનાર છે ત્યારે આ કોન્ફરન્સમાં ખાસ ન્યુરો ફિઝિયોથેરાપિસ્ટ અને ન્યુરો નર્સીસને પણ તાલીમ આપવામાં આવનાર હોવાનું પણ રાજકોટ ન્યુરો સર્જન એસોસીએશને ઉમેર્યું હતું. પત્રકાર પરિષદમાં કાંત જોગાણી, ડોક્ટર પ્રકાશ મોઢા, ડોક્ટર રાજેન્દ્ર ત્રિવેદી, ડોક્ટર હેમાંગ વસાવડા, ડોક્ટર વિક્રમ પુજારી,ડો.મિતલ સહિત તબીબો એ માહિતી આપી હતી.
બોક્સ..1 20 કરોડથી વધુનાં ન્યુરોસર્જીકલ ઇન્સ્ટ્રુમેન્ટ મંગાવાયા
રાજકોટના આંગણે યોજાઈ રહેલી આ ન્યુરો સર્જન કોન્ફરન્સ માટે અંદાજે 20 કરોડથી વધુના વિવિધ ન્યુરોસર્જીકલ ઈન્સ્ટુમેન્ટ મંગાવવામાં આવ્યા છે જે વર્કશોપ સ્થળે ખાસ ઓપરેશન થિયેટરમાં નિર્દશન કરવાની સાથે એઇમ્સ હોસ્પિટલ ખાતે યોજાનાર કેડેવરી વર્કશોપમાં ઉપયોગમાં લઈ દરેક ન્યુરો સર્જનને આધુનિક સારવાર પદ્ધતિ અંગે પ્રત્યક્ષ રીતે સમજણ આપવામાં આવશે, ઉલ્લેખનીય છે કે, કે ન્યુરો અને સ્પાઇન સર્જરી માટે એઇમ્સ ખાતે દેહદાનમાં આવેલ બોડી ઉપર જ આધુનિક સર્જરી અંગેના ઓપરેશનો પણ કરવામાં આવનાર હોવાનું ડો.પ્રકાશ મોઢાએ જણાવ્યું હતું.
2 રોડ સેફટીની જાગૃતતાનો અભાવ:દર ત્રણ મિનિટે એક વ્યક્તિ અકસ્માતમાં મૃત્યુને ભેટે છે
ડો.પ્રકાશ મોઢાએ જણાવ્યું હતું કે, આજના ઝડપી યુગમાં દર ત્રણ મિનિટે એક વ્યક્તિ અકસ્માતમાં મૃત્યુને ભેટી રહી છે. મોટાભાગના અકસ્માતનાં કિસ્સામા મગજ અને મણકામાં ઈજાઓ પહોંચવાના બનાવો વધુ સામે આવતા હોય છે ત્યારે ટ્રોમાના કિસ્સામાં ન્યુરો અને સ્પાઇન સર્જન પેશન્ટને વહેલામાં વહેલી તકે શ્રેષ્ઠતમ સારવાર થકી જીવ બચાવવાને પ્રાથમિકતા આપતા હોય છે, જો કે,આજના સમયમાં હજુ પણ સ્પાઇન એટલે કે, મણકાની સર્જરી વિષે લોકોમાં ડર અને ગેરમાન્યતા જોવા મળે છે અને મણકાની સર્જરીના કિસ્સામાં લોકોને કાયમી અપંગતા અથવા દુઃખાવો થવાનો ડર જોવા મળે છે. જો કે, તેઓ ઉમેરે છે કે આજના સમયમાં મણકા માટે ઉત્તમ સારવાર પદ્ધતિ આવી છે જેમાં બ્રેકેટ અને નાના કાપા મૂકી સર્જરી થઇ રહી છે જેમાં આજે સર્જરી કર્યા બાદ કાલે એટલે કે, એક જ દિવસમાં હાલતો ચાલતો થઇ શકતો હોવાનું તેઓએ ઉમેર્યું હતું.