રાજમોતી ઓઇલ મીલની તા.29મી હરાજી
યુનિયન બેન્કે લેણી રકમની વસૂલાત માટે ઈ-હરાજી જાહેર કરી
રાજકોટમા ચેમ્બર ઓફ કોમર્સ અને સોમાના પૂર્વ પ્રમુખ સમીર શાહની રૂ.75 કરોડની લોન સામે મિલકત મોર્ગેજ કરવામાં આવી હતી જે ભરપાઈ ન કરવામાં આવતા યુનિયન બેન્ક દ્વારા મિલકત સીલ કરવામાં આવી હતી. જેમાં હવે લોનની વસૂલાત માટે ઓઇલ મીલની યુનિયન બેન્ક દ્વારા તા.29મી જાન્યુઆરીએ ઈ-હરાજી જાહેર કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સમીર શાહે યુનિયન બેન્કની બાકી રકમ નહિ ભરતા પૂર્વ મામલતદાર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાજમોતી ઓઇલ મીલને સીલ મારી મીલનો કબજો બેંકને સોંપવામાં આવ્યો હતો. જે બાદ હવે સૂત્રોમાંથી એવી જાણકારી મળી રહી છે કે, યુનિયન બેન્ક પોતાની કરોડોની બાકી રકમની વસૂલાત માટે ઓઇલ મીલની ઈ-હરાજી કરવા જઈ રહી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, જપ્તિની કાર્યવાહીને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી પરંતુ આ કાનૂની જંગમાં પછડાટ મળતા બેન્ક દ્વારા લેણી રકમની વસૂલાત માટે રાજમોતી ઈન્ડસ્ટ્રીઝની હરાજી જાહેર કરવામાં આવી છે. જપ્ત કરાયેલી ઓઇલ મીલની હરાજી આગામી તા.29 જાન્યુઆરીના સવારે 12 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા દરમિયાન રાખવામાં આવી છે.
મહત્વનું છે કે, એક સમયે સમીર શાહે બેન્ક દ્વારા કરવામાં આવેલી મિલકત જપ્તિની કાર્યવાહી બિન અધિકૃત રીતે કરવામાં આવી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. તેમજ આ કાર્યવાહીને કારણે પોતાના પરિવાર ઉપરાંત પેઢીની શાખ તેમજ પ્રતિષ્ઠાને હાની પહોંચી હોવાનું જણાવી રૂ.220 કરોડનો બદનક્ષીનો દાવો પણ કરવામાં આવ્યો હતો.