RMCની ૮ જગ્યા માટે ૨૧૩૫એ પરીક્ષા આપી: ૧૪૨૪ ગેરહાજર
ડે.ચીફ એકાઉન્ટન્ટ, આસિ.એકાઉન્ટન્ટ, સિસ્ટમ એનાલીસ્ટ, ગાર્ડન સુપરવાઈઝર સહિતની જગ્યા ભરાશે
મહાપાલિકા દ્વારા વિવિધ ૮ જગ્યા માટે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ૨૧૩૫ ઉમેદવારોએ ભાગ લીધો હોવાનું અને ૧૪૨૪ ગેરહાજર રહ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
મનપામાં ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ, આસિસ્ટન્ટ એકાઉન્ટ, સિસ્ટમ એનાલિસ્ટ, ગાર્ડન સુપરવાઈઝર, વેટરનરી ઓફિસર, ગાર્ડન આસિસ્ટન્ટ, ટેક્નીકલ આસિસ્ટન્ટ (લાયબ્રેરી) અને આસિસ્ટન્ટ લાયબ્રેરિયન એમ આઠ જગ્યા માટે પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા શહેરના અલગ-અલગ ચાર કેન્દ્ર ઉપર લેવામાં આવી હતી જેમાં ૩૫૫૯ ઉમેદવારોએ રજિસ્ટે્રશન કરાવ્યું હતું પરંતુ પરીક્ષા ૨૧૩૫એ જ આપી હતી. ઉમેદવારોને પરીક્ષા સમયના એક કલાક પહેલાં પરીક્ષા ખંડમાં સંપૂર્ણ વીડિયોગ્રાફી કરીને એન્ટ્રી આપવામાં આવી હતી જ્યારે પરીક્ષા ખંડમાં મોબાઈલ, ઈલે.ગેઝેટ, કેલ્ક્યુલેટર અને સ્માર્ટ વોચ સહિતના ઉપકરણો લઈ જવાની મનાઈ ફરમાવાઈ હતી.
એકંદરે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થવા પામી હતી અને હવે પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર-કી મહાપાલિકાની વેબસાઈટ ઉપર આગામી સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે તેમ મનપા દ્વારા જણાવાયું છે.