માતાને સુવા જાવ છું કહી 20 વર્ષીય પુત્ર લટકી ગયો
પાંજરાપોળ પાસે રહેતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી : કારણ અંગે રહસ્ય
શહેરમાં આપધાતના બનાવમાં હરરોજ વધારો થઈ રહ્યો છે. નજીવી બાબતે યુવાનો જીવન સામેની જંગ હારી આપઘાતનો માર્ગ અપનાવી રહ્યા છે,જેમાં વધુ એક બનાવ સામે આવ્યો છે . ગત રોજ પાંજરાપોળ પાસે રહેતા ૨૦ વર્ષીય યુવકે માતાને સુવા જાવ છું કહી રૂમમાં ગળાફાંસો ખાઇ લીધો હતો.જ્યારે આ બનાવ મામલે પોલીસે કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, પાંજરાપોળ પાસે રહેતો કલ્પેશ દીપકભાઈ બારૈયા (ઉ.વ ૨૦) નામનો યુવક ગઈ કાલે બપોર ઘરે હતો ત્યારે તેની માતાને સૂઈ જવાનું કહી ને રૂમમાં ગયા બાદ ઘણા સમય બાદ નીચે ન આવતા પરિવાર દ્વારા રૂમમાં જોતા તે ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેથી પરિવાર દ્વારા તાકીદે હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવાન કાપડની દુકાનમાં નોકરી કરતો હતો.પોતે ૨ ભાઈમાં મોટો હતા. તેના પિતા દીપકભાઈ આરએમસીમાં સફાઈ કર્મચારી છે. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો છે. હાલ પોલીસ આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.