નાનામવા રોડ પર ક્રિમઝેનમાંથી ૧૮ કિલો વાસી આઈસ્ક્રીમ મળ્યો
ગંદકી વચ્ચે ટુટુફ્રૂટી-જેલી તૈયાર કરનાર પટેલ મહિલા ગૃહ ઉદ્યોગ સીલ: ચાર સ્થળેથી આઈસ્ક્રીમના નમૂના લેતી મનપા
ગરમીની સીઝનમાં આઈસ્ક્રીમનો ઉપાડ ધારણા બહાર રહેતો હોવાથી નફાખોર તેમજ વાસી ધાબડી દેવાની વૃત્તિ ધરાવતાં ધંધાર્થીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં જરા અમથી પાછીપાની કરાતી નથી. આવું જ કંઈક નાનામવા રોડ પર સિલ્વર હાઈટસ સામે આવેલા ક્રિમઝેન આઈસ્ક્રીમમાં ચાલી રહ્યું હતું. અહીં મહાપાલિકાની ફૂડ શાખાએ દરોડો પાડી તપાસ કરતાં અલગ-અલગ ફ્લેવરનો ૧૮ કિલો વાસી આઈસ્ક્રીમનો જથ્થો મળી આવતાં સ્થળ પર જ તેનો નાશ કરી નાખવામાં આવ્યો હતો. અહીં લોકો પરિવાર સાથે મોટી સંખ્યામાં આઈસ્ક્રીમ ખાવા આવતાં હોય ધંધાર્થી દ્વારા રીતસરના તેમને વાસી આઈસ્ક્રીમ પીરસીને છેતરવામાં આવી રહ્યા હતા.
આ ઉપરાંત ફૂડ શાખાએ ગત મંગળવારે કોઠારિયા રિંગરોડ, ખોખડદડી નદીના કાંઠે આવેલા જયેશ પરસોત્તમભાઈ સાવલિયાની માલિકાના પટેલ મહિલા ગૃહ ઉદ્યોગ ઉપર દરોડો પાડીને ગંદકી વચ્ચે તૈયાર થતી ટુટીફ્રૂટી તેમજ જેલીનો ૨૦,૦૦૦ કિલો જથ્થો જપ્ત કર્યો હતો. આટઆટલી માત્રામાં જથ્થો પકડાતાં મહાપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી ગૃહ ઉદ્યોગને સીલ મારી દેવામાં આવ્યું છે અને જ્યાં સુધી આગામી હુકમ ન આવે ત્યાં સુધી સીલ યથાવત રાખવા જણાવાયું છે.
જ્યારે આઈસ્ક્રીમ ડ્રાઈવ અંતર્ગત તંત્રએ ક્રીમઝેન આઈસ્ક્રીમમાંથી કેસર પીસ્તા, સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ, રણછોડનગર શેરી નં.૪માં જીલ આઈસ્ક્રીમમાંથી વાઈલ્ડ બેરી કેક આઈસ્ક્રીમ તેમજ મોચી બજારમાં ડિલક્સ ફૂડસમાંથી કુકીઝ એન્ડ ક્રીમ આઈસ્ક્રીમના નમૂના લઈ લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.