૧૫૦૦ કિલો કલરયુક્ત મુખવાસ પકડાયો
મહાપાલિકાની ફૂડ શાખાનો દરોડો: દિવાળીમાં મુખવાસની માંગ વધુ હોય પ્રતિબંધિત કલર વાપરી જૂના મુખવાસને નવો કરીને વેચવાની કરામત ચાલતી હોવાની આશંકા: આ પ્રકારના મુખવાસથી ગળા પકડાઈ જવા સહિતની બીમારીઓ થાય
મહાપાલિકાની ફૂડ શાખા દિવાળીના તહેવાર પહેલાં જ `એક્ટિવ મોડ’માં આવી ગઈ હોય તેવી રીતે ધડાધડ દરોડા પાડવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ જામનગર રોડ પર ભરત નમકીન નામના કારખાના પર દરોડો પાડી ૯૦૦૦ કિલો વાસી ફરસાણ પકડ્યા બાદ સોમવારે સાંજે પરાબજાર તેમજ પ્રહલાદ ટોકીઝ પાછળ દરોડો પાડી ૧૫૦૦ કિલો કલરયુક્ત મુખવાસ પકડી પાડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દિવાળીમાં મુખવાસની માંગ વધુ રહેતી હોવાને કારણે લોકો આંખ બંધ કરીને તેની ખરીદી કરતા હોય છે.
બરાબર આવા સમયે જ નફાખોરો દ્વારા લોકોના આરોગ્યની પરવા કર્યા વગર આડેધડ મુખવાસ વેચવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ મળતાં જ ફૂડ શાખાએ પરાબજારમાં પ્રકાશ સ્ટોર નામની દુકાન પર દોડી જઈ ચેકિંગ કરતાં ત્યાં પ્રતિબંધિત કલરયુક્ત મુખવાસ મળી આવ્યો હતો.
આ પછી તેની બીજી પેઢી કે જે પ્રહલાદ ટોકીઝ પાછળ નંદા બ્રધર્સથી જાણીતી છે ત્યાં ચેકિંગ કરતાં ત્યાંથી પણ કલરવાળો મુખવાસ મળી આવ્યો હતો. એકંદરે આ મુખવાસ દોઢ ટન મતલબ કે ૧૫૦૦ કિલો જેટલો હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. પ્રારંભીક રીતે મળતી વિગતો પ્રમાણે જૂના મુખવાસમાં કલર ભેળવીને તેને નવો બનાવીને વેચવામાં આવતી હોવાની કરામત હોવાનું લાગી રહ્યું છે એટલા માટે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.