રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના એક-બે નહીં ૧૫ ફેક ફેસબુક એકાઉન્ટ !! કોઈ પ્રકારનો વ્યવહાર ન કરવા કરી અપીલ
બ્રજેશ ઝા અને બ્રજેશકુમાર ઝા આઈપીએસ; આ બે જ સાચા એકાઉન્ટ બાકીના તમામ નકલી
લોકોને બનાવટી ફેસબુક એકાઉન્ટ પર રિકવેસ્ટ નહીં મોકલવા કે કોઈ પ્રકારનો વ્યવહાર ન કરવા અપીલ
સોશ્યલ મીડિયાના જમાનામાં અત્યારે આંગળીના ટેરવે ઘણું બધું કામ પૂર્ણ થઈ રહ્યું છે. લોકો અલગ-અલગ પ્લેટફોર્મનો ભરપૂર ફાયદો પણ ઉઠાવી રહ્યા છે ત્યારે જેમ કોઈ વસ્તુનો કે માધ્યમનો ફાયદો હોય તેવી રીતે તેનો ગેરફાયદો પણ હોવાનો જ…આવું જ કંઈક અત્યારે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવી એપ્લીકેશન ઉપર બની રહ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ખૂલી રહ્યા છે અને લોકો એકબીજા સાથે જોડાઈ રહ્યા છે. જો કે છેલ્લા ઘણા સમયથી ફેસબુક-ઈન્સ્ટાગ્રામ ઉપર ફેક મતલબ કે બનાવટી એકાઉન્ટ બનાવવાના સિલસિલામાં વધારો થઈ જતાં લોકો પણ ચિંતીત બની ગયા છે ત્યારે હવે ખુદ રાજકોટના પોલીસ કમિશનર પણ આ સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના નામે અત્યારે ફેસબુક ઉપર એક-બે નહીં બલ્કે ૧૫ જેટલા બોગસ ફેસબુક એકાઉન્ટ ચાલી રહ્યા છે અને તેમના નામ ઉપર લોકોને રિકવેસ્ટ મોકલવામાં આવી રહી છે સાથે સાથે રિકવેસ્ટ સ્વીકારવામાં પણ આવી રહી છે. કોઈ પણ શહેરીજન હોય તેને પોલીસ કમિશનર દરજ્જાની વ્યક્તિ સાથે સોશ્યલ મીડિયા પર જોડાયેલું રહેવું પસંદ હોવાથી લોકો આંખ બંધ કરીને બોગસ એકાઉન્ટ ઉપર રિકવેસ્ટ મોકલી રહ્યાનું ધ્યાન પર આવ્યું છે.
આ અંગે પોલીસ કમિશનરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે તેમનું એક ફેસબુક એકાઉન્ટ બ્રજેશ ઝાના નામનું છે અને એક તેમણે ફેસબુક પેઈઝ છે જે સાચું છે અને તેમના દ્વારા ઓપરેટ કરવામાં આવી રહ્યું છે. આ સિવાયના તમામ એકાઉન્ટ બોગસ ચાલી રહ્યા છે. તેમણે ફેસબુક પેઈઝ એટલા માટે બનાવ્યું છે કેમ કે ફેસબુક એકાઉન્ટ ઉપર પાંચ હજાર લોકો જ સામેલ કરી શકાતા હોવાથી તેમણે લોકો સાથે જોડાઈ રહેવા માટે પેઈઝ બનાવ્યું છે.
વળી, તેમણે એમ પણ ઉમેર્યું કે તેમના સાચા એકાઉન્ટ ઉપર પણ દરરોજ મોટી સંખ્યામાં લોકોના બિનજરૂરી મેસેજ આવી રહ્યા છે પરંતુ તેઓ આ પ્રકારના મેસેજને નજરઅંદાજ જ કરે છે.