12 દિ’બાદ પણ દીપડાના સગડ નહી
સોશિયલ મીડિયામાં વાઇરલ તસવીરો-વિડીયો રાજકોટ વિસ્તારના ન હોવાનો વન વિભાગનો દાવો
રાજકોટ આસપાસના વિસ્તારોમાં છેલ્લા 12 દિવસથી દીપડાએ ધામા નાખ્યા છે પરંતુ હજુ સુધી તેના કોઈ સગડ મળ્યા નથી. વન વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા દિવસ-રાત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે તેમજ દીપડાને પકડવા માટે પાંચ પાંજરા પણ મૂકવામાં આવ્યા છે. જો કે હજુ સુધી દીપડો વન વિભાગને દેખાયો નથી. બીજી તરફ કેટલાક લોકો પણ અફવાઓ ફેલાવી રહ્યા છે. ગુરુવારે મેટોડા, અંજલિ પાર્ક વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના સમાચાર મળતા વન વિભાગની ટીમ પહોંચી હતી અને તપાસ કરી હતી જો કે દીપડાના કોઈ સગડ મળ્યા ન હતા. ઉપરાંત સોશિયલ મિડિયામાં પણ કેટલાક લોકો દીપડાની તસવીરો અને વિડીયો વાઇરલ કરી રહ્યા છે. જે અંગે વન વિભાગે આ તસવીરો અને વિડીયો રાજકોટ વિસ્તારના ન હોવાનું કહી તેને સમર્થન આપતું નથી. માટે કોઈએ તસવીરો કે વિડીયો વાઇરલ ન કરવા પણ વન વિભાગના નાયબ વન સંરક્ષકે જણાવ્યું છે.