બુદ્ધિ નહીં હોય ? ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખતી ગ્લોબલ હોસ્પિટલને ૧૦,૦૦૦નો દંડ
જાહેરમાં કે ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ નહીં કરવાનો નિયમ છતાં હોસ્પિટલ તેનું પાલન ન કરતી હોવાથી દંડરૂપી ધોકો ફટકારતી મનપા
સામાન્ય રીતે અભણ લોકો નિયમોનું પાલન કરવામાં સૌથી પાછળ હોય છે પરંતુ હવે તો શિક્ષિત લોકો પણ નિયમોનો ભંગ કરવા લાગતાં તેમની સાથે દંડરૂપી ધોકો પછાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન જાણે કે બુદ્ધિ જ ન હોય તેવી રીતે રાજનગરમાં આવેલી ગ્લોબલ હોસ્પિટલ દ્વારા ટીપર વાનમાં બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરતા જ તેની પાસેથી ૧૦,૦૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
વૉર્ડ નં.૮ના સેનિટેશન ઑફિસર મૌલેશ વ્યાસ સહિતના દ્વારા રાજનગર ચોકમાં આવેલી ગ્લોબલ હોસ્પિટલને દંડ ફટકારાયો હતો. હોસ્પિટલ દ્વારા જાણીજોઈને બાયો મેડિકલ વેસ્ટનો ટીપરવાનમાં નિકાલ કરાતો હોય આ કાર્યવાહી કરવામાં આવી હતી. મહાપાલિકા દ્વારા શહેરની તમામ હોસ્પિટલ દવાખાનાઓ તેમજ ક્લિનીક ચલાવતાં ડૉક્ટરોને જાણ કરવામાં આવી છે કે તેમણે બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ ટીપરવાન કે અન્ય કોઈ જગ્યાએ કરવાનો રહેશે નહીં અને જો આમ કરશે તો તેની સામે દંડરૂપી કાર્યવાહી કરાશે. બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે માન્ય કરેલી એજન્સી દ્વારા જ કરવાનો રહેશે.
ગંદકી કરતા ૩૧ દંડાયા, ૩.૬ કિલો પ્લાસ્ટિક જપ્ત, ૨૭ ટન કચરાનો નિકાલ
મહાપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા ઝુંબેશ પૂરજોશમાં ચલાવવામાં આવી રહી હોય ગંદકી કરતાં લોકોને દંડવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત શહેરના ત્રણેય ઝોનમાં ચેકિંગ કરતાં ગંદકી ફેલાવી રહ્યા હોય તેમજ જાહેરમાં કચરો ફેંકતા હોય તેવા ૩૧ લોકો પાસેથી દંડ વસૂલાયો હતો તો અલગ-અલગ વિસ્તારોમાંથી ૩.૬ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. આવી જ રીતે ત્રણેય ઝોનના ૧૦૯ ન્યુસન્સ પોઈન્ટની સફાઈ કરીને ૨૩.૧૫ ટન તો શહેરના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટની સફાઈ કરીને ૩.૯ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.