રૈયા સબ રજિસ્ટ્રારમાં દસ્તાવેજ નોંધણી માટે 10 દિવસનું વેઇટિંગ
રેવન્યુ બાર એસોશિએશન દ્વારા સ્લોટ વધારી આપવા રજુઆત
રાજકોટ : સૂચિત જંત્રી દર વધારા પૂર્વે જ દસ્તાવેજ નોંધણીમાં તેજી આવી હોય તેવા સંકેતો વચ્ચે રાજકોટની રૈયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં 10-10 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું હોવાથી દસ્તાવેજ નોંધણીમાં અગવડતા પડતા રેવન્યુ બાર એસોશિએશન દ્વારા ગાંધીનગર નોંધણી સર નિરીક્ષકને ટાઈમ સ્લોટ વધારી આપવા રજુઆત કરવામાં આવી છે.
રેવન્યુ બાર એસોશિએશનના અગ્રણી એન.જે.પટેલની આગેવાનીમાં રાજ્યના નોંધણી સર નિરીક્ષકને લેખિત રજુઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટ ઝોન-૪(રૈયા) સબ રજિસ્ટ્રાર કચેરીમાં મોર્ગેજ ડીડ, રીકન્વેપન્સ ડીડ સીવાયના અન્ય તમામ દસ્તાવેજો રજીસ્ટ્રેશન કરાવવા માટે ટાઈમ સ્લોટ મેળવવામાં આગામી તા. ૦૫/૦૧/૨૦૨૫ એટલે કે ૧૦ (દસ) દિવસનું વેઈટીંગ છે. જેના કારણે પક્ષકારોને દસ્તાવેજ રજીસ્ટ્રર કરાવવા માટે ખુબ જ મુશ્કેલી પડી રહી છે. હાલ ડિસેમ્બર મહીનો ચાલતો હોય ઘણા બધા એન.આર.આઈ. વ્યક્તિઓ પણ હાલ દસ્તાવેજ માટે આવેલ છે તેઓ પણ મીલ્કત સમયમર્યાદામાં ખરીદ/વેચાણ કરી શકતા ન હોય તેમજ ઘણા પક્ષકારોના ખરીદ વેંચાણના વ્યવહારો સમયમર્યાદાના કારણે કોઈપણ જાતના વ્યાજબી કારણ ન હોવા છતાં રદ થઈ રહેલ છે અને તેના કારણે તેઓ પણ તેઓની મીલ્કત ખરીદ વેચાણ કરી શકતા નથી.
આ ઉપરાંત અનેક લોકોએ બેકની લોનની પ્રોસેસ પુરી કરીને મીલ્કત ખરીદ કરવા નક્કી કરેલ છે તેઓને બેંકે તારીખ સાથેના લૌનની રકમના ચેક પણ ઈસ્યુ કરી દીપેલ છે તે પણ આ ઝોનમાં એપોઈન્ટમેન્ટ ન મળતી હોવાના કારણે રદ થઈ રહ્યા છે અને તેને કારણે પણ અરજદારોને મુશ્કેલી પડી રહી છે.સાથે જ બીનજરૂરી ડીલેને કારણે પણ સરકારશ્રીને આવકમાં ઘણુ મોટુ નુકશાન થઈ રહયુ છે.વધુમાં આ મામલે મદદનીશ નોંપણી સર નિરીક્ષક રાજકોટને અવાર-નવાર રજુઆત કરેલ હોવા છતાં કોઈ કાર્યવાહી થઇ ન હોય તાત્કાલિક અસરથી ટાઈમ સ્લોટ વધારી આપવા માંગ કરી હતી.