ફોર્ચ્યુન-500 કંપનીમાં ૧ કરોડ યુવાનોને ૧ વર્ષની ઇન્ટર્નશિપ : માંડવિયા
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં પશ્ચિમ ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓની બેઠક મળી
શ્રમ કલ્યાણ સુધારા અને રોજગારની તકો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા ચર્ચા
દેશમાં રોજગારીની તકો કેમ વધારી શકાય તેમ જ શ્રમ અને કલ્યાણ ક્ષેત્રે સુધારા કેવી રીતે લાવી શકાય તેની ચર્ચા કરવા માટે રવિવારે રાજકોટમાં પશ્ચિમ ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અધિકારીઓની બેઠક કેન્દ્રીય શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી ડો. મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ પ્રસંગે ડો. માંડવિયાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર રોજગારીની તકો વધારવા માટે સતત પ્રયાસો કરી રહી છે અને દેશની ટોચની 500 કંપનીમાં આ યુવાનોને એક વર્ષની ઇન્ટર્નશિપ મળે તે માટેની યોજના અમલમાં મુકાઈ છે અને આ બેઠકમાં તેની સમીક્ષા પણ થઈ હતી.
ડો. મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે પોતાના તાજેતરના બજેટમાં રોજગારીની ૪ કરોડ તકો ઉભી કરવાની જાહેરાત કરી છે અને આ માટે બે લાખ કરોડ રૂપિયાનું રોકાણ લાવવાનું છે. કેન્દ્ર સરકારે ૧ કરોડ યુવાનોને ૧ વર્ષ માટે ફોર્ચ્યુન 500 કંપનીમાં ઇન્ટર્નશિપ આપવાની શરૂઆત થઇ ગઈ છે. આ યોજના પાછળનો હેતુ યુવાનોમાં વર્ક કલ્ચર ડેવલપ કરવાનો છે. કેન્દ્રએ યુવાનોને રોજગાર મળી રહે તે માટે સિંગલ વિન્ડો સીસ્ટમ પણ શરુ કરી છે અને તેના પોર્ટલમાં ૩૦ લાખ કંપની જોડાઈ છે અને તેનો લાભ યુવાનોને મળી રહ્યો છે.
દેશના પશ્ચિમી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ત્રીજી પ્રાદેશિક બેઠકમાં મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી અને લક્ષદ્વીપના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયનાં સચિવ ડો. સુમિતા ડાવરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રમ અને રોજગાર મંત્રાલય અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા શ્રમ સુધારણા, ઈ-શ્રમ-નેશનલ ડેટાબેઝ ઓફ અસંગઠિત કામદારો , નિર્માણ અને નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીને લેવામાં આવી રહેલી ચાવીરૂપ પહેલો પર સહયોગને મજબૂત કરવા અંગે ચર્ચા કરવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રમ સંહિતા હેઠળ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા બનાવવામાં આવેલા ડ્રાફ્ટ નિયમોમાં સુમેળ, અસંગઠિત કામદારો માટે સામાજિક સુરક્ષા લાભો સરળતાથી મેળવવા માટે ‘વન-સ્ટોપ સોલ્યુશન’ તરીકે ઈ-શ્રમ પોર્ટલની સ્થાપના, વિવિધ કેન્દ્રના કવરેજના વિસ્તરણ સહિત મુખ્ય શ્રમ અને રોજગાર મુદ્દાઓ મકાન અને બાંધકામ કામદારો માટે કલ્યાણકારી યોજનાઓ, રોજગારની તકો માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાણ, રોજગારનું માપન, કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC), રાષ્ટ્રીય કારકિર્દી સેવા (NCS) હેઠળ પૂરી પાડવામાં આવતી સેવાઓ અને સુવિધાઓને મજબૂત બનાવવી અને રોજગાર-લિંક્ડ ઇન્સેન્ટિવનો ઝડપી અમલીકરણ (ELI) યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.