સર્વેશ્વર ચોકમાં વોંકળાનો સ્લેબ તુટતા ૧ મહિલાનું મોત: અનેક ઘાયલ
રાજકોટના યાજ્ઞિક રોડ પરના સર્વેશ્વર ચોકમાં રાત્રે બની ગોઝારી દુર્ઘટના
ચીચીયારીઓથી આખો વિસ્તાર ગાજી ઉઠ્યો
રાત્રે લોકો ખાણી-પીણી માટે એકત્ર થયા હતાં અને ગણેશ પંડાલ પાસે પણ વધુ લોકો હતાં ત્યારે સ્લેબ તુટતા અનેક લોકો વોંકળામાં ખાબક્યા હતાં: ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ અને એમ્બ્યુલન્સો પહોંચી ગઇ હતી: ૧૦ થી ૧૫ લોકોને હોસ્પિટલે ખસેડાયા
રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોક વિસ્તારમા રાત્રે ૯ વાગ્યે મોટી દુર્ઘટના બની ગઇ હતી. સંતોષ ભેળ પાસે એક વોંકળાનો સ્લેબ એકાએક તુટી પડતા અસંખ્ય લોકો વોંકળામાં ખાબક્યા હતાં જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને ૧૫થી વધુ લોકો ઘાયલ થયા હતાં. જેમને તત્કાલ દવાખાને ખસેડવામાં આવ્યા હતાં.
સર્વેશ્વર ચોકમા ગણેશ પંડાલ પાસે વોકળાનો સ્લેબ એકાએક ધરાશાયી થઇ જતાં ચીસાચીસ થઇ ગઇ હતી અને મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકો કાટમાળ નીચે દબાઇ ગયા હતાં. અફરા તફરી મચી ગઈ હતી. આ ઘટના અગે મળતી માહિતી પ્રમાણે, યાજ્ઞિક રોડ ઉપર મોટી દુર્ઘટના બનતા અને આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ધસી આવ્યો હતો. અને બચાવ રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. એમ્બ્યુલન્સ પણ તાબડતોબ પહોંચી ગઇ હતી. ચીચીયારીઓથી વિસ્તાર ગાજી ઉઠ્યો હતો. સર્વેશ્વર ચોકમા સતોષ ભેળ પાસેનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેના કારણે અનેક લોકો નીચે પટકાયા હતાં. આ ઘટનામા અનેક વ્યક્તિઓ ઘાયલ થઇ હતાં તેમ નજરે જોનારા લોકોએ કહ્યું હતું.

ઘટનાની જાણ થતાં ભાજપના અગ્રણીઓ તેમજ મંત્રી ભાનુબેન બાબરીયા, ઉદય કાનગડ, મુકેશભાઇ દોશી, જયમીન ઠાકર વગેરે હોસ્પિટલે પહોંચી ગયા હતાં અને જરૂરી સુચનાઓ આપી હતી અને માહિતી મેળવી હતી.

રવિવાર, ગણેશ ઉત્સવ અને ફુડ બજાર હોવાથી રાત્રે લોકોની સંખ્યા વધુ હતી
રાજકોટના સર્વેશ્વર ચોકમાં વોંકળાનો સ્લેબ તુટી પડ્યો અને અનેક લોકો વોંકળામાં ખાબક્યા હતાં. રવિવારનો દિવસ હોવાથી અને ગણેશ પંડાલના દર્શન માટે તેમજ ફુડ માર્કેટમાં નાસ્તો-પાણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયેલા હતાં માટે વધુ લોકો ઘાયલ થયા હતાં.

સ્થાનિક લોકો બચાવ રાહતમા જોડાયા
સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક લોકોએ બચાવની કામગીરી હાથ ધરી હતી. દુર્ઘટનામા ૧૦થી વધુ લોકો ગભીર ઇજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાને લઈ અત્યારે રાહત કામગીરી ચાલુ છે. પાપ્ત વિગતો મુજબ પડાલ પાસેનો આ સ્લેબ જૂનો અને જર્જરિત હોવાથી આ દૂર્ઘટના બની હોવાની માહિતી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યુ: આજનો રાજકોટનો કાર્યક્રમ રદ્
રાજકોટમાં રાત્રે બનેલી દુર્ઘટનાની માહિતી મળતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ભારે દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી અને સ્થાનિક તંત્ર વાહકોને સુચના આપી હતી. મુખ્યમંત્રીએ પૂર્વ મેયર પ્રદિપ ડવ સાથે ટેલીફોનીક ચર્ચા કરીને માહિતી મેળવી હતી. દુર્ઘટનાને પગલે આજનો મુખ્યમંત્રીનો રાજકોટનો કાર્યક્રમ રદ્ કરવામાં આવ્યો હતો.