પ્લાયવુડના વેપારી સાથે જમીન-મકાનના દલાલે કરી 1 કરોડની છેતરપીંડી
એક્ષ્પોર્ટ – ઈમ્પોર્ટ અને જમીનમાં વળતરની લાલચ આપી શીશામાં ઉતાર્યા
રાજકોટના ટાગોર રોડ પર પ્લાયવુડ અને સનમાઈકાની દુકાન ધરાવતા સાધુવાસવાણી રોડ ઉપર રહેતા બ્રિજેશ અમૃતભાઈ અદોદરીયા સાથે તેના પાડોશમાં રહેતા જમીન-મકાન તેમજ એક્ષ્પોર્ટ ઈમ્પોર્ટનું કામ કરતા મુનેશ મગનલાલ હિરપરા, મંજુલાબેન મગનલાલ અને જાનકી મયુર હિરપરાએ ધંધામાં રોકાણ કરવાના બહાને રૂ.1.09 કરોડની છેતરપીંડી કરતા યુનિવર્સીટી પોલીસમાં ફરીયાદ નોંધાઈ હતી. મુનેશ મગનલાલ હિરપરા, મંજુલાબેન મગનલાલ અને જાનકી મયુર હિરપરા સહિતનાઓએ ધંધા માટે લીધેલી રૂા.૧.૦૯ કરોડની રકમના બદલે નોટરી કરાર કરી આપેલા જે જણાવેલી તારીખે બેંકમાં વટાવતા રીટર્ન થતા ફરીયાદ નોંધાઈ છે.
યુનિવર્સીટી પોલીસે બ્રિજેશભાઈ અદોદરીયા (ઉં.વ.૩૩)ની ફરીયાદ પરથી તેના પાડોશી મુનેશ મગનલાલ હિરપરા, મંજુલાબેન મગનલાલ અને જાનકી મયુર હિરપરા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બ્રિજેશભાઈએ પોલીસને જણાવ્યું કે તેના પાડોશી મુનેશભાઈ અવારનવાર જણાવતા હતા કે તે જમીન લે વેચનું કામ કરે છે. તેને જમીનમાં મોટી રકમનું રોકાણ કરવાનું હોય ઈમ્પોર્ટ – એક્સપોર્ટનો ધંધો હોય જેમાં પણ રોકાણ કરવું પડતું હોવાથી ધંધામાં નાણાની જરૂરીયાત પડે છે. તમેં મને મુડીરોકાણ ક૨વા હાથ ઉછીના રૂપિયા આપશો તો તે ધંધામાં રોકાણ કરી સમયસર તમામી મૂડી પરત આપી દેશે જેથી બ્રિજેશભાઈએ એન્જલ ઈમ્પોર્ટનામની પેઢીના એકાઉન્ટમાં અલગ અલગ સમયે તેણે અને તેના પરિવારજનોએ આરોપીના ખાતામાં રૂા.૮૦.૧૦લાખ આપ્યા હતા. સાળા આરજુ મકવાણાએ પણ ધંધા માટે રૂા.૧૦ લાખ, માતા મંજુલાબેનનો ખાતામાં રૂા.૯ લાખ અને આરોપીના નાના ભાઈની પત્ની જાનકીબેન મયુરભાઈને રૂા.૧૦ લાખ રોકડ મળી કુલ રૂા.૨૯ લાખ આપ્યા હતા. જે રૂપિયા પરત આપવા માટે આરોપીએ તા.૩૦/૧૦/૨૨૧ થી ત્રણ માસમાં પરત આપવા માટે તેને અને તેના પરિવારજનો ઉપરાંત સાળાને નોટરી કરી ચેક આપ્યા હતા. જે નોટરીની મુદ્દત વિત્યા બાદ ત્રણેય આરોપીઓએ આપેલા ચેક તેમણે બેંકમાં વટાવતા ચેકો રીટર્ન થયા હતા.