રાજકોટનાં 20 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર 1.5 લાખ ઉત્તરવહીની ચકાસણી: 25 ટકા કામગીરી પુરી
આ વખતે 5 માર્ચથી બોર્ડનાં પેપરો જોવાનું કામ શરૂ થયું હતું:શહેરમાં 4 કેન્દ્ર પર ધો.12 વિજ્ઞાનપ્રવાહ માટે અને બાકી સેન્ટરની જિલ્લામાં ફાળવણી:એક કેન્દ્ર પર 100 થી 110 જેટલા શિક્ષકો મુકાયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 સાયન્સ ની પરીક્ષા પૂરી થઈ ચૂકી છે. પરીક્ષા શરૂ થયાના ગણતરીના દિવસોમાં જ શિક્ષણ બોર્ડ દ્વારા ઉત્તરવહીની ચકાસણી શરૂ કરી દેવામાં આવી હતી જેના માટે રાજકોટ સહિત સમગ્ર રાજ્યના 70 હજાર જેટલા શિક્ષકોને ઓર્ડરો થયાં છે.
રાજકોટ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ઉપરાંત ગુજરાતના 450 જેટલા મૂલ્યાંકન કેન્દ્ર પર ઉત્તરવહીની તપાસણી દરમિયાન ૨૫ ટકા જેટલી કામગીરી પૂરી થઈ ગઈ હોવાનું શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. રાજકોટના 20 જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પર દોઢ લાખ જેટલી ઉત્તરવહીની ચકાસણી ચાલી રહી છે જેના માટે એક એક કેન્દ્ર પર 100 થી 110 જેટલા શિક્ષકો ફાળવ્યા છે. રાજકોટ શહેરમાં ચાર ધોરણ 12 સાયન્સના સેન્ટર અને બાકીના સેન્ટર જિલ્લાના કેન્દ્રો પર ફાળવવામાં આવ્યા છે
રાજકોટ ડી.ઇ.ઓ.કિરીટસિંહના જણાવ્યા મુજબ રાજકોટનાં 20 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાંથી 12 વિજ્ઞાન પ્રવાહ માટે 4 કેન્દ્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 10 કેન્દ્ર અને ધોરણ 10 માટે 6 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપરો તપાસવાનું ચાલુ છે. 1.5 લાખ જેટલી ઉત્તરવહી માંથી 25% પેપરો ચકાસવાનું પૂરું થઈ ચૂક્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 15 દિવસ પેપરો વહેલાં લેવાયા હોવાથી પરિણામ પણ વહેલું આવવાની સંભાવના બોર્ડના સૂત્રોએ વ્યક્ત કરી હતી.