મારુ પેટ ભરો ફાયર એનઓસી આપવાના બદલામાં ૧.૨૦ લાખની લાંચ લઇ લીધી અને બીજી ૧.૮૦ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાઇ ગયા
રાજકોટમાં અગ્નિકાંડ થવો તો તો ભલે થાય..લોકોને જે કહેવું હોય
તે કહે અને કરે પરંતુ મહાપાલિકાના ચીફ ફાયર ઓફિસરે જીદ કરી
ચાર્જ સંભાળ્યાના ૪૩મા દિવસે જ રંગ' બતાવ્યો: આટઆટલા
ડામ’ છતાં મનપામાં ભ્રષ્ટાચાર અટકવાનું નામ નથી લેતો!
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકામાં ખદબદી રહેલો ભ્રષ્ટાચાર એક સાથે બહાર આવ્યો હતો. આ કાંડ બાદ તત્કાલિન ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર કે જેમણે ફરજમાં અસહ્ય લાપરવાહી દાખવતાં તેમની સામે આકરી કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાયા બાદ અત્યારે તે જેલમાં હવા ખાઈ રહ્યા છે. ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી પડતાં સરકાર દ્વારા કચ્છ-ભૂજના ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂને રાજકોટનો હવાલો સોંપવામાં આવ્યો હતો. અનિલ મારૂએ ૩૦ જૂને ચાર્જ સંભાળ્યા બાદ કામગીરી સુવ્યવસ્થિત ચાલશે તેવું લાગતું હતું પરંતુ મારૂએ ૪૩મા દિવસેજ `રંગ’ બતાવીને ૧.૮૦ લાખની લાંચ લેતાં રંગેહાથ પકડાઈ જતાં કચેરીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે રાજકોટમાં બનેલા એક બિલ્ડિંગમાં ફરિયાદીએ ફાયર સેફ્ટી ફિટિંગની કામગીરી કરી હતી. આ કામ પૂર્ણ થઈ ગયા બાદ ફાયર સેફ્ટી અંગેના એનઓસીની જરૂર હોવાથી તે મેળવવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. આ પછી એનઓસી મેળવવા માટે ગયા ત્યારે ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ દ્વારા ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી તેમાંથી ફરિયાદી દ્વારા ૧.૨૦ લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા. જ્યારે બાકીના ૧.૮૦ લાખ રૂપિયા ચાર-પાંચ દિવસમાં ચૂકવી દેવાનું નક્કી થયું હતું. જો કે આ રકમ ફરિયાદી ચૂકવવા માંગતા ન હોવાથી તેણે જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો.
આ પછી એસીબી દ્વારા મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં જ છટકું ગોઠવવામાં આવ્યું હતું. નક્કી થયા પ્રમાણે ફરિયાદી ૧.૮૦ લાખની લાંચ આપવા કચેરીએ પહોંચ્યા અને અનિલ મારૂને લાંચની રકમ ચૂકવી કે તુરંત જ એસીબીએ દરોડો પાડીને તેમની ધરપકડ કરી લીધી હતી.
એકંદરે મહાપાલિકામાં ભ્રષ્ટાચારને કારણે ૧૪થી વધુ અધિકારીઓ-કર્મચારીઓ અત્યારે જેલમાં હવા ખાઈ રહ્યા છે આમ છતાં અહીં પૈસા ખંખેરવાનો સિલસિલો બંધ થતો ન હોય હવે મહાપાલિકા તંત્ર શંકાના દાયરામાં આવી જવા પામ્યું છે.
કમિટીનું હવે સઘન મોનિટરિંગ રહેશે: મ્યુનિ.કમિશનર
મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈએ જણાવ્યું કે ફાયર એનઓસી સહિતની કામગીરી ઝડપભેર પૂર્ણ થાય તે માટે એક કમિટીની રચના કરવામાં આવી હતી જે આ કામગીરી ઉપર ધ્યાન રાખી રહી હતી આમ છતાં અધિકારીએ લાંચ લીધી હોવાથી હવે આ કમિટી એનઓસી સહિતની ફાયર બ્રિગેડ શાખાને લગતી કામગીરી ઉપર સઘન મોનિટરિંગ રાખશે સાથે સાથે દર પંદર દિવસે કામગીરીની સમીક્ષા કરતી બેઠક હવે સપ્તાહમાં મળે તે પ્રકારનું આયોજન કરાશે.