હવે સ્પામાં કામ કરતા તમામ સ્ટાફનું રજીસ્ટ્રેશન ફરજીયાત
રાજકોટમાં રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારમાં સ્પા, મસાજ પાર્લરની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તેમજ દેહ વ્યાપાર તેમજ સ્પા, મસાજ પાર્લરની આડમાં અન્ય ગેરકાયદેસર કૃત્યો થતા હોવાનું ભૂતકાળમાં બહાર આવી ચુક્યું છે. આવા કૃત્યો બદલ પોલીસે દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સ્પા-મસાજ પાર્લેરના સંચાલકોએ કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિતની સંપૂર્ણ વિગત હવે પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે બહાર પડેલ જાહેરનામાંમાં તાકીદ કરી છે કે મસાજ પાર્લરની આડમાં કેફી દ્રવ્યોનું સેવન, દેહવ્યાપાર અને અન્ય ગેરકાયદે કૃત્યો ચાલતા હોવાનું જણાઈ આવે છે. કેટલાક અસામાજિક તત્ત્વો સ્પા અને મસાજ પાર્લરની આડમાં ગુનાઈત કૃત્યો કરી જાહેર સલામતિ અને શાંતિનો ભંગ કરતા હોવાનું જણાઈ આવ્યું છે. જેને કારણે હવેથી સ્પા અને મસાજ પાર્લરના માલિકો અગર તો સંચાલકોએ તેમને ત્યાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા, ફોટોગ્રાફ સહિતની સંપૂર્ણ માહિતી સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. એટલું જ નહીં જે તે પોલીસ સ્ટેશનના સ્ટાફે આ અંગેનું રજિસ્ટર નિભાવવાનું રહેશે. સ્પા અને મસાજ પાર્લરના નામ, માલિક-સંચાલકનું નામ, મોબાઈલ નંબર, સરનામું, તમામ કર્મચારીઓની ફોટા સહિતની સંપૂર્ણ વિગતો, ઓળખના પુરાવા, હાલનું સરનામું, વતનનું સરનામું, ઘર-ઓફિસ વગેરેના સંપર્ક નંબર, વિદેશી હોય તો પાસપોર્ટ અને વિઝાની નકલ, કયા વિઝા પર ભારતમાં આવ્યા છે તેની માહિતી, હાલનું સરનામું, સંપર્ક નંબર વગેરે સાથની વિગતો કોરા કાગળમાં લખી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. તેની બે નકલો પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. જેમાંથી એક નકલ પોલીસ સ્ટેશનના સહિ-સિકકા કરાવી પોતાની પાસે રાખવાની રહેશે.એટલું જ નહીં સ્પા અને મસાજ પાર્લર ચલાવનારે પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પાનકાર્ડ, ઈલેકશન કાર્ડ પણ રજૂ કરવાના રહેશે. આગામી તા.૫થી આ જાહેરનામું લાગુ પડશે. તાજેતરમાં સોની બજારમાં કામ કરતા ત્રણ બંગાળી કારીગરો ત્રાસવાદી સંગઠન લંબાવી આપ્યું છે. અલકાયદા સાથે સંડોવાયેલા હોવાનો એટીએસની તપાસમાં ભાંડો ફુટયો હતો. તે સાથે શહેરમાં કામકરતા પરપ્રાંતિયોના પોલીસ પાસે વેરીફિકેશનનો મુદ્દો ઉછળ્યો છે. જોકે શહે૨માં આ અંગેનું જાહેરનામું ઘણા સમયથી અમલી છે પરંતુ તેનું જૂજ પાલન થાય છે. ત્યારે હવે સ્પા અને મસાજ પાર્લર બાબતે પોલીસ કમિશનરે જાહેરનામાંનો કડક અમલ કરાવવા તાકીદ કરી છે.