સોની વેપારી બંધુઓ પર પિતરાઈ ભાઈનો હિચકારો હુમલો
પત્નીને મેસેજ કરવા મુદ્દે થયેલા ઝગડાનું સમાધાન કરવા બોલાવી માર માર્યો
શહેરના મોરબી રોડ સુખસાગર સોસાયટી પાસે સોની વેપારી બંધુઓને તેના કૌટુંબિક ભાઈએ અગાઉ થયેલા ઝગડામાં સમાધાન માટે બોલાવી બંને ભાઈઓ પર ધારદાર હથિયારો વડે હુમલો કરી માર મારતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
બનાવની વિગતો મુજબ,શહેરના ઓમપાર્ક શેરી નંબર ૩ માં રહેતા સોની વેપારી રવિ હરસુખભાઈ ભીંડી (ઉ.વ ૩૫) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં કેશોદ તાલુકાના ખીરસરા ધેડ ગામે રહેતા તેના પિતરાઈ ભાઈ યોગેશ હરગોવિંદભાઈ ભીંડીનું નામ આપતા જણાવ્યું હતું કે, તે સોની બજારમાં પ્લેટિનિયમ ચેમ્બરમાં દુકાન ભાડે રાખી સોની કામ કરે છે. યુવાને આઠ વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હતા. દસેક માસ પૂર્વે તેના સગા મોટા બાપુના દીકરા એવા યોગેશે તેની પત્નીને મેસેજ કરી હેરાન કરતો હોય જે બાબતે પત્નીએ વાત કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.દરમિયાન ગત તા.૨૧-૧૦ના રાત્રિના યુવાન ઘરે હતો ત્યારે અજાણ્યા નંબર પરથી યોગેશનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, ૧૦ મહિના પહેલાંની વાતનું સમાધાન કરવું છે અહીં મોરબી રોડ પર નાની રેલવે ફાટક પાસે સુખસાગર સોસાયટીની પાછળ રેલવે ટ્રેક પાસે આવો તેમ કહેતા યુવાન તેની પત્ની સાથે રાત્રિના આવી ગયો હતો ત્યાં યોગેશ તથા બે અજાણ્યા શખસો ફોર્ડ ફીગો કાર પાસે ઉભા હતા. જેથી યુવાન અહીં જઈ સમાધાનની વાતચીત કરતા તેના અને યોગેશે વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા યોગેશે ઉશ્કેરાઈ તેને મૂઢ માર મારવા લાગતા યુવાને તેના મોટાભાઈ વિપુલને ફોન કરીને બોલાવ્યો હતો. બાદમાં અન્ય બે અજાણ્યા શખસોએ પણ ગાળો ભાંડી યુવાન અને તેના ભાઈને કોઇ ધારદાર હથિયાર વડે માર માર્યો હતો.જેથી આ મામલે પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ કરી છે.