રેડીમેઈડ ગારમેન્ટસ પર Gst 28% થશે તો..!!વેપારીઆલમનો વિરોધ
આગામી કાઉન્સિલની મિટિંગમાં ટેક્સનો ભાર નાખવાની હિલચાલ સામે ગુજરાતના વેપારીઓની લડત માટેની રણનીતિ: હોલસેલર, ટેક્સટાઇલ, રિટેલર અને કેટ દ્વારા નાણામંત્રીને ઈમેલ: ટેક્સ પહેલાં ટેક્સટાઇલ બજારની પરિસ્થિતિનો તાગ મેળવવા સૂચન
રેડીમેઇડ ગારમેન્ટ પર ટેક્સ 5% માંથી 28% ટકા વસૂલવાની દરખાસ્તના પગલે વેપારીઓમાંથી જબરો વિરોધ ઉઠ્યો છે. ઓનલાઇન માર્કેટ, મંદી અને કોરોનામાંથી માંડ ટેક્સટાઇલ માર્કેટ ઊભી થઈ રહી છે તેમાં આગામી 21મી એ જીએસટીની કાઉન્સિલ મીટીંગમાં વધુ ટેક્સ નાખવાની હિલચાલ સામે રાજ્યભરના વેપારી આલમમાંથી વિરોધનો સુર ઉઠ્યો છે.
જો 28% ટેક્સ લગાડવામાં આવશે તો જેની સામે લડત કરવા માટે ગુજરાતના વિવિધ ટેક્સટાઇલ એસોસિએશનના વેપારીઓ રણનીતિ ઘડી રહ્યા છે.
1500 રૂપિયાની કિંમતથી લઈ ₹10,000 ની કિંમત સુધીના રેડીમેઇડ કપડા ઉપર 18% અને 10000 થી વધુ ની કિંમતના વસ્ત્રો પરિધાન પર 28%જીએસટી વસૂલવાની દરખાસ્ત સામે આ ટેકસનો ભાર વેપારીઓ અને ગ્રાહકો બંને પર આવશે. આ બાબતે રાજકોટ ટેક્સટાઇલ, હોલસેલર ગારમેન્ટ એસોસિએશન, વિવિધ સંગઠનો અને કેટ દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારામને ઈ-મેલ મોકલીને વિરોધ નોંધાવ્યો છે.
રાજકોટ ગારમેન્ટ એસોસિએશનના પ્રમુખ હિતેશભાઇ અનડક્ટએ જણાવ્યું હતું કે, રૂપિયા 1,500 થી શરૂ કરીને દસ હજાર રૂપિયા સુધીની ખરીદી પર 18% જીએસટી અને 10,000 રૂપિયાથી વધુની ખરીદી પર 28% જીએસટી નાખવા અંગેની ચર્ચા થઈ રહી છે જેનાથી મધ્યમ અને નાના વેપારીઓને અસર થશે આથી હાલનો જીએસટી દર યથાવત રાખવા માટે નાણામંત્રાલય અને ટેકસટાઇલ મંત્રાલયને પત્ર લખવામાં આવ્યો છે.
જો 28 ટકા જેટલો ટેક્સ વધે તો બોગસ પેઢીઓનો રાફડો ફાટશે
વેપારીઓએ એવી શંકા વ્યક્ત કરી હતી કે સરકાર દ્વારા જીએસટીમાં 28% જેટલો રેડીમેડ કપડા પર નાખવામાં આવશે તો બોગસ બીલિંગની શક્યતાઓ વધી જશે. અત્યારે પણ ગુજરાતમાં બોગસ પેઢીઓ ફૂટી નીકળી છે. જેના માટે સરકારે પણ કમર કસી છે ત્યારે જો આ ભાવ વધારો આવે તો નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ આ ટેકસ સામે ટક્કર ઝીલી શકે નહીં અને ભારેખમ ટેક્સમાંથી બચવા માટે બોગસ બીલિંગ વધી શકે એમ છે એ શક્યતાને નકારી શકાય તેમ નથી.
રિટેઇલ ખરીદી તૂટશે અને ફરી ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ વધે તેવી વેપારીઓની ભીતિ
જીએસટી કાઉન્સિલ ની આગામી મિટિંગમાં જો આ મુદ્દે 28% જીએસટી લગાવવા માટેનું નિર્ણય લેવામાં આવશે તો સ્થાનિક માર્કેટમાં ઘરાકી તૂટી જશે અને લોકો ફરી ઓનલાઈન શોપિંગ તરફ વળતે તેવી ભીતિ વેપારીઓમાં છે. લોકો મોંઘા પ્રસંગોપાત ખરીદતા હોય છે, જેની ઘરાકી સાવ તૂટી જશે જેના કારણે ઉત્પાદન પણ ઘટી જશે પરિણામે રિટેલ ટ્રેડથી લઈ મેન્યુફેક્ચરિંગ ચેનલ સુધી અસર થશે.