રાજકોટ : સોના કરતા ઘડામણ મોંઘી’: મનપાને એક ખાડો ૭૫,૦૦૦ રૂપિયામાં પડ્યો !
વરસાદે પોલ'ખોલ્યા બાદ ૧.૬૪ કરોડનું આંધણ કરી ખાડા બૂર્યા
ત્રણેય ઝોનના મુખ્ય માર્ગો ઉપર ૨૨૦ ખાડા બૂરવા માટે ૧૦% ઓન'થી ૧,૬૪,૯૯,૬૨૮ના ખર્ચે કામ આપવાનું મંજૂર કરતી સ્ટેન્ડિંગ કમિટી,
જેટપેચર’ મશીને ૨૦૦૦ સ્કવેર મીટર વિસ્તારમાં મસમોટા ગાબડાં બૂર્યાનો દાવો
રાજકોટમાં આ વર્ષે અતિ ભારે વરસાદે મહાપાલિકા દ્વારા બનાવાયેલા રસ્તાઓ કેટલા નબળા બન્યા છે તેની પોલ' ખોલી નાખીને મસમોટા ગાબડા પાડી દેતાં હવે તેને બૂરવા માટે ૧.૬૪ કરોડના આંધણને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ત્રણેય ઝોનના મુખ્ય માર્ગો ઉપર ૨૨૦ ખાડા પડ્યા હતા જેને
જેટપેચર’ મશીનથી બૂરવાનો નિર્ણય લેવાયા બાદ કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ પ્રમાણે જોવા જઈએ તો મહાપાલિકાને એક ખાડો બૂરવા માટે ૭૫,૦૦૦ રૂપિયાનો ખર્ચ થતાં લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે આ તો સોના કરતા ઘડામણ મોંઘી !
શહેરના ત્રણેય ઝોનના મુખ્ય માર્ગો ઉપર મોટા મોટા ગાબડા પડી ગયા હોય તેને તાત્કાલિક અસરથી બૂરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. જો કે આ ખાડા બૂરવા માટે થનારા ખર્ચની દરખાસ્ત હવે રજૂ કરવામાં આવી છે જેમાં જણાવ્યા પ્રમાણે રાજકોટમાં ચોમાસા દરમિયાન પડેલા ખાડા બૂરવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરાયું હતું જેમાં ઈપીકોઈન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ. અને રચના ક્નસ્ટ્રક્શન એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રસ દાખવ્યો હતો. આ પૈકી ઈપીકોઈન્સે ૧૨.૬૩% તો રચના ક્નસ્ટ્રક્શને ૧૪.૮૫% ઓન' સાથે ટેન્ડર ભર્યું હતું. ઈપીકોઈન્સે ૧૨.૬૩%
ઓન’ સાથે કામ કરવા રસ દાખવ્યો હોવાથી એજન્સી સાથે વાટાઘાટ કરાઈ હતી જેના અંતે ૧૦% `ઓન’થી કામ કરવા તૈયારી દર્શાવતાં તેને ૧,૬૪,૯૯,૬૨૮ રૂપિયામાં કામ આપવાનું નક્કી કરાયું હતું. જો કે ત્યારે તાત્કાલિક ખાડા બૂરવાની જરૂરિયાત જણાતાં સ્ટેન્ડિંગ કમિટી દરખાસ્તને મંજૂરી આપી દેશે તેવી અપેક્ષાએ કામ શરૂ કરાવી દેવાયું હતું. હવે સ્ટેન્ડિંગ કમિટીમાં આ દરખાસ્ત આવતાં તેને મંજૂરી આપી દેવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈપીકોઈન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા જેટપેચર મશીન મારફતે ૨૦૦૦ સ્કવેર મીટર વિસ્તારમાં મસમોટા ગાબડાં બુરવામાં આવ્યા હતા. આ ગાબડા માત્રને માત્ર મુખ્ય માર્ગો ઉપર જ બૂરાયા હતા.