રાજકોટ સહિત રાજ્યમાં હાર્ટ એટેકથી 13ના મોત
રાજકોટ,અમદાવાદ,કપડવંજ,વડોદરા અને સુરતમાં ગરબે રમતા રમતા મહિલા સહિત પાંચના હદયના ધબકાર થંભી ગયા
રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચિંતાજનક વધારો થયો છે.રાજકોટમાં સહિત રાજ્યમાં હાર્ટએટેકથી 13 ના મોત થયા છે જેમાં રાજકોટમાં રેલવે કર્મચારીના પત્ની ઉપરાંત અમદાવાદ,કપડવંજ,વડોદરા અને સુરતમાં ચાર વ્યક્તિઓ ગરબે રમ્યા બાદ બેભાન થઈ ગયા બાદ તેમનું મોત થયું હતું. જ્યારે રાજકોટ જિલ્લા જેલમાં ચાલુ ફરજ દરમિયાન બીએસએફના જવાનનું અને સરધારના ઢાંઢણી ગામે રહેતાં રાજસ્થાનના આધેડ ઉપરાંત ખંભાળિયા અને દ્વારકામાં અલગ અલગ બનાવોમાં 8 લોકોના હદય ધબકારા ચૂકી જતાં મોત થયું હતું.
રાજકોટના રેલનગરમાં કૃષ્ણા બંગલોમાં રહેતા અને રેલવેના ઇલેક્ટ્રિક વિભાગમાં સિનિયર સેકશન અધિકારી તરીકે ફરજ બજાવતા રાજેશ કુમાર સકશેનાના પત્ની કંચનબેન (ઉવ 48) તા 20/10 ના રોજ ઘર પાસે ગરબીમાં ગરબા રમતા હતા ત્યારે હાર્ટ એટેક આવતા અચાનક બેભાન થઈ જતાં સારવાર માટે ખાનગી અને બાદમાં રેલવે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક કંચનબેનને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે જેમાં પુત્ર ડૉક્ટર હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં ચાલુ ફરજ દરમિયાન મૂળ નખત્રાણાના ખારડીયા ગામના વતની કોન્સ્ટેબલ સવાઈસિંહ હાલાજી સોઢા (ઉ.વ55)નું હાર્ટ એટેકથી મોત થયું હતું. મૃતક સવાઈસિંહ સોઢાને બોર્ડરવિંગ-ભુજના સી કંપનીના કોન્સ્ટેબલ હતા. રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે રાત્રિ ફરજ પૂર્ણ કર્યા બાદ વહેલી સવારે બેરેક સુરક્ષામાં હતા ત્યારે જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને સંતાનમાં 2 પુત્ર અને 1 પુત્રી છે.
હાર્ટએટેકના ત્રીજા બનાવમાં સરધાર નજીક ઢાંઢણી ગામે રહેતાં રાજસ્થાનના આધેડ સોહનલાલ તોલારામ પ્રજાપતિ (ઉ.વ.૪૮)ને છાતીમાં દુઃખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પોસ્ટમોર્ટમ થતાં હાર્ટએટેકથી મૃત્યુ થયાનું ખુલ્યું હતું. ચોથા બનાવમાં રૈયા રોડ પર આવેલ અમૃતા પાર્ક સોસાયટીમાં રહેતા જયેશ ઝાલાવડિયા નામના બિલ્ડર ઘરે હતા ત્યારે
સવારે ૭ વાગ્યે બેભાન થઈ ઢળી પડ્યા હતા. તેમણે સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા હતા.
ખંભાળિયાના આંબલા ગામે રહેતા આતિમભાઈ બસીરભાઈ સંઘાર નામના ૩૧ વર્ષના યુવાન ખાનગી કંપનીમાં કામ કરી રહ્યા હતા.
તે દરમિયાન તેમને છાતીમાં દુખાવો ઉપાડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. તેમજ ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા રવજીભાઈ પાંચાભાઈ કણજારીયા નામના ૭૨ વર્ષના વૃદ્ધને હાર્ટ એટેક આવી જતા તેમનું પણ મૃત્યુ નિપજ્યું હતું. તેમજ. દ્વારકામાં હાથી ગેઈટ વિસ્તારમાં રહેતા રાજકુમાર ચિતામણી સોલંકી નામના ૫૨ વર્ષના પ્રૌઢને રાવળા તળાવ પાસે એક મંદિર નજીક ભિક્ષાવૃત્તિ દરમિયાન હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
ધોરાજી નજીક ભાદર-૨ ડેમના પાટીયા રીપેર કરવા આવેલા મુળ ઉતરપ્રદેશના ફતેપુર જિલ્લાના વતની આશુકુમાર દિનેશકુમાર સોનકાર નામના 26 વર્ષના મજુર યુવાનને હૃદયરોગનો હુમલો આવતા તે બેભાન થઈ ગયો હતો તેનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજયું હતું.
અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતો 28 વર્ષનો રવિ પંચાલ નામનો યુવાન અમદાવાદના હાથીજણના પાર્ટી પ્લોટમાં ગરબા રમતા અચાનક જ ઢળી પડ્યો હતો. રવિને સારવાર માટે ખસેડાયો હતો પરતું તેનું સારવાર મળે તે પહેલા મોત થયું હતું.
હાર્ટ અટેકથી મોત થયું છે. યુવકને હોસ્પિટલ લઇ જાય તે પહેલા જ મોત થયું છે. યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તે ઢળી પડ્યો હતો, બીજી તરફ ખેડાના કપડવંજમાં છઠ્ઠા નોરતે ગરબે ઘૂમતા વીર શાહ નામના 17 વર્ષીય યુવકને અચાનક નાકમાંથી બ્લીડીંગ થવા લાગ્યું. યુવકની સ્થિતિને જોતા તેમને તાબડતોબ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો, જોકે દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય. ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો છે, શારીરિક રીતે સ્વસ્થ 17 વર્ષના યુવાનને હાર્ટએટેકથી મોત થતા પરીવાર સહિત ગ્રામજનો સ્તબ્ધ છે.
વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાક માં બે વ્યકિઓના હાર્ટ એટેકથી મોત થયા છે. વડોદરામાં માંજલપુર વિસ્તારમાં રહેતા 35 વર્ષિય જગદીશ પરમારનું હાર્ટ એટેકથી મોત થયું છે. જગદીશ પરમાર રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હતા.ચાલુ રિક્ષામાં હાર્ટ એટેક આવતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. તો બીજી તરફ વડોદરામાં જ હરણી વિસ્તારમાં રહેતા શંકર રાણાનું હાર્ટ એટેકથી મોત થયું છે. શંકર રાણા ગરબાની મોજ માણી રહ્યા હતા દરમિયાન ગરબે ઘૂમતા તે અચાનક ઢળી પડ્યાં હતા.
સુરતના પલસાણાની સર્વોદય સોસાયટીમાં ગરબે ઘૂમતા રાહુલ રાઠોડ નામનો યુવક ગરબાના તાલે ઝુમી રહ્યો હતો અને અચાનક ઢળી પડ્યો હતો. આ દરમિયાન તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો પરતું સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત થયું હતું. પ્રાથમિક દષ્ટીએ યુવકનું મોત હાર્ટ અટેકથી થયાનું મનાવામાં આવી રહ્યું છે