રાજકોટ લોકસભા બેઠકમાં 400થી વધુ વડીલોએ ઘર બેઠાં મતદાન કર્યું
હોમ વોટીંગ સુવિધા માટે ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્રનો આભાર માન્યો
રાજકોટ : લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તેમજ વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા ૮૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી પહેલ કરવામાં આવી છે. જે અન્વયે ૧૦ – રાજકોટ સંસદીય મતવિસ્તારમાં ગુરુવારથી હાથ ધરાયેલ મતદાન પ્રક્રિયામાં 400થી વધુ વડીલોએ મતદાન કર્યું હતું.
ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ ૬૯- રાજકોટ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં શુક્રવારે ૯૦ વર્ષીય શિવલાલભાઈ પટેલ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચુંટણી તંત્ર તેમનાં ઘર આંગણે પહોંચ્યું હતું.આ તકે શિવલાલાભાઈએ જણાવ્યું હતું કે, પોલીયોની અસર અને વધતી ઉંમરના કારણે મારાથી ચાલી શકાતું નથી. તેથી હોમ વોટીંગ સુવિધાનો લાભ લઈને મે મતદાન કરીને દેશની લોકશાહીમાં પોતાનું યોગદાન આપ્યું છે. ત્યારે હું દરેક નાગરીકને અપીલ કરું છું કે, અચુક મતદાન કરીએ અને દેશને વધુ મજબૂત બનાવીએ. તેમજ હોમ વોટીંગ સુવિધા અંગે ભારતીય ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્રની કામગીરીને પણ બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, શિવલાલ પટેલ રાજકોટના એવા મતદાર છે કે, જેમણે દેશની આઝાદી નજરે નિહાળી હતી અને સ્વતંત્ર ભારતની વર્ષ ૧૯૫૨માં યોજાયેલી પ્રથમ ચૂંટણીના સાક્ષી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ લોકસભા બેઠક ઉપર 1300 જેટલા મતદારોએ ઘેર બેઠા મતદાન માટે અરજી કરતા હાલમાં ચૂંટણી તંત્ર દ્વારા હોમ વોટિંગ પ્રક્રિયા શરૂ કરી છે જે અંતર્ગત મદદનીશ ચૂંટણી નોંધણી અધિકારી પાર્થ કોઠીયા, ઝોનલ ઓફિસર અસિતભાઈ ટાંક, આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર ભાવિક છાસિયા, માઇક્રો ઓબઝર્વર અશ્વિન રામાણી, બી.એલ.ઓ. અંકુર માવાણી, તેમજ ફોટોગ્રાફર અને પોલીસની ટીમ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી.