રાજકોટ જિલ્લામાં 7 માસ માસમાં ટીબીના 1100 કેસ નોંધાયા
જિલ્લામાં ગત વર્ષે નોંધાય હતા 2800 કેસ: ટીબી નાબૂદી માટે જનજાગૃતિ જરૂરી
વોઇસ ઓફ ડે, રાજકોટ
રાજકોટ જિલ્લામાં છેલ્લા 7 માસમાં ટીબીના 1100 કેસ નોંધાયા છે. જ્યારે હાલ 1 હજાર દર્દી નિયમિત સારવાર લઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત ચાલતા જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર દ્વારા ક્ષય નાબૂદી અંગે સતત કામગીરી કરવામાં આવી રહી છે.
ટીબી એટલે કે, ક્ષય રોગએ માઇકો બેક્ટેરિયા ટ્યુબરક્યુલોસીસ નામના બેક્ટેરિયાથી થાય છે. ત્યારે આ રોગના નાબૂદી માટે જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર દ્વારા રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ક્ષય રોગ અંગેના જાગૃતિ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. ટીબી રોગએ ચેપી હોવાથી ટીબીના દર્દી પણ સાવચેતી રાખવી પડે છે જેના કારણે અન્ય લોકો તેનો શિકાર ન બને. ટીબી રોગ અંગે જિલ્લા ટીબી અધિકારી ડો. મહેતાએ જણાવ્યું હતું કે, ટીબીનું વિનામૂલ્યે નિદાન અને સારવાર નજીકના આરોગ્ય કેન્દ્રોમાં કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં ક્ષય (ટીબી)ના ગત વર્ષે 2800 દર્દી નોંધાય હતા. જ્યારે ચાલુ વર્ષે જાન્યુઆરી માસથી તા. 8/9/2023 દરમિયાન 1 હજાર કેસ નોંધાય છે. ટીબી રોગનું જે દર્દીનું નિદાન થાય છે તે દર્દીની ઓછામાં ઓછા 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધી સારવાર કરવામાં આવે છે.
ટીબી બે પ્રકારના હોય છે. એક સાદો અને બીજો હઠીલો ટીબી. જેમાં સદા ટીબીમાં 6 માસ અને હઠીલો ટીબી એટલે કે, મલ્ટી ડ્રગ રેજિસ્ટન્ટ ટીબીમાં બે વર્ષ સુધી સારવાર કરવામાં આવે છે. ટીબીના રોગમાં ખાનગી દવાખાનામાં દર્દીને 2000 થી 2500 જેટલો ખર્ચ આવે છે જ્યારે સરકારી દવાખાનામાં વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે. જો દર્દીને ટીબીના લક્ષણો જણાય તો તાત્કાલિક પ્રાથમિક કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિદાન કરાવી શકે છે. ટીબી રોગના લક્ષણોમાં સતત ખાંસી આવવી, સાંજના સમયે સામાન્ય તાવ આવવો, વજન ઘટવું વગેરે જેવા લક્ષણો જણાય છે. આવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસની કરાવવી જોઈએ. સરકાર દ્વારા ટીબી નાબૂદી માટે પણ અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. સરકાર ટીબીના દર્દીને 6 મહિના માટે દર મહિને રૂ.500 આપે છે.