રાજકોટમાં લીંબુની ડબલ સેન્ચ્યુરી, વાંચો કેટલાના કિલો!
છેલ્લા એક સપ્તાહમાં જ લીંબુના ભાવમાં તોતિંગ વધારો: ઉનાળામાં હજુ પણ ભાવ વધવાની શક્યતા
રાજકોટની શાકમાર્કેટમાં લીંબુના ભાવમાં તોતિંગ વધારો થયો છે. હજુ તો ઉનાળાનું આગમન થયું પણ નથી તેવામાં લીંબુના ભાવમાં ઉછાળો આવતા આગામી દિવસોમાં લીંબુના ભાવ આસમાને પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શિયાળાની મોસમએ હજુ વિદાય લીધી નથી પરંતુ બપોરના સમયે ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તો બીજી તરફ રવિવારથી વ્હોરા બિરાદરોનો પવિત્ર રમઝાન માસ શરૂ થઈ ગયો છે. આવા સમયે પહેલા ડુંગળી, લસણ અને હવે લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. છેલ્લા એક જ સપ્તાહમાં લીંબુના ભાવમાં તોતિંગ વધારો થયો છે અને લીંબુએ ડબલ સેન્ચ્યુરી ફટકારી છે. રાજકોટ શહેરની જ્યુબિલી માર્કેટમાં હાલ 1 કિલો લીંબુનો ભાવ રૂ.200એ પહોંચી ગયો છે. તો બીજી તરફ લારી પર વેચતા લીંબુ કે જેનો ભાવ એક સપ્તાહ પહેલા 1 કિલોના રૂ.80 થી 100 હતા તે હાલમાં રૂ.150 થી 180 થઈ ગયા છે.
રમઝાન માસમાં લીંબુ અને ફ્રૂટનો ઉપયોગ વધુ રહેતો હોય છે તો બીજી તરફ ઉનાળામાં શહેરીજનો લૂ અને ગરમીથી બચવા લીંબુ સરબત અને લીંબુ સોડા પીવાનો આગ્રહ રાખતા હોય છે ત્યારે છેલ્લા એક સપ્તાહમાં જ લીંબુના ભાવ અચાનક વધી ગયા છે. લીંબુની આવક સામે માંગ વધતાં આગામી દિવસોમાં હજુ પણ લીંબુના ભાવ વધશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.