રાજકોટમાં રોજ ૯ લોકોને `ડાઘીયા’ કરડી ખાય છે !!
૧ જાન્યુઆરીથી ૩૦ નવેમ્બર સુધીમાં ૨૮૯૯ને બટકા ભર્યાનો ખુલાસો: ૩૦,૦૦૦ની વસતી સામે હજુ સુધી માત્ર ૨,૦૦૦ને જ કરી શકાયું ખસીકરણ
માણસને કરડી ખાય, મારી નાખે પણ શ્વાનને પકડીને શહેર બહાર મુકી દેવાનો મનાઈ ફરમાવતો નિયમ લોકોને અકળાવી રહ્યો છે !
જંગલેશ્વરમાં બાળકીને ફાડી ખાઈને મોતને ઘાટ ઉતારવાની દૂર્ઘટના બનતાં જ મનપાએ તાત્કાલિક દોટ મુકી ૮ શ્વાનને પકડી પાડ્યા, હવે તેનું ઓબ્ઝર્વેશન કરાશે
વૉઈસ ઑફ ડે, રાજકોટ
જંગલેશ્વર વિસ્તારમાં ૪ વર્ષની બાળકીને ૭થી ૮ જેટલા ડાઘીયા કૂતરાઓએ ઘેરીને ફાડી ખાધાંની ઘટનાએ શહેરમાં સનસનાટી મચાવી દીધી છે. બીજી બાજુ આ ઘટના બનતાં જ સફાળી જાગી ઉઠેલી મહાપાલિકાએ તાત્કાલિક જંગલેશ્વરમાં ટીમ દોડાવી કૂતરા પકડવાનું શરૂ કરી દીધું છે અને ૮ જેટલા શ્વાનને દબોચી લેવામાં આવ્યા હોવાનું જાહેર કરાયું છે ત્યારે ચોંકાવનારી વિગત એવી આવી છે જે જંગલેશ્વર સહિત આખાયે રાજકોટમાં અત્યારે કૂતરાઓનો અનહદ ત્રાસ ફેલાઈ ગયો હોય તેવી રીતે દરરોજ ૯ લોકોને બટકાં ભરી લેતા હોવાનું જાણવા મળી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ પાસેથી મળેલા આંકડા પ્રમાણે ૧ જાન્યુઆરીથી ૩૦ નવેમ્બર સુધીના ૩૩૬ દિવસમાં ૨૮૯૯ લોકોને શેરીશ્વાનોએ બટકા ભરી લેતાં તેમણે હડકવા વિરોધી ઈન્જેક્શન સહિતની સારવાર મેળવવી પડી છે. કૂતરાઓનો આટઆટલો ત્રાસ છતાં શ્વાનને પકડીને શહેર બહાર મુકી આવવાની મનાઈ ફરમાવતો નિયમ અમલી હોવાને કારણે લોકોમાં જબદરસ્ત રોષ ફેલાઈ ગયો છે. જંગલેશ્વરમાંથી જે ૮ કૂતરાઓને પકડવામાં આવ્યા છે તેમનું પણ ઓબ્ઝર્વેશન કરવામાં આવશે અને જેવો સુધારો જણાશે એટલે ફરી તેને છૂટા મુકી દેવામાં આવશે !!
આ વર્ષના શ્વાન કરડવાના કેસ
મહિનો કેસ
જાન્યુઆરી ૩૦૨
ફેબ્રુઆરી ૨૩૩
માર્ચ ૨૭૧
એપ્રિલ ૨૬૪
મે ૨૬૯
જૂન ૨૫૭
જૂલાઈ ૨૭૪
ઑગસ્ટ ૨૩૮
સપ્ટેમ્બર ૨૪૩
ઑક્ટોબર ૨૯૫
નવેમ્બર ૨૫૩
કુલ ૨૮૯૯
શ્વાન ખસીકરણ માટે વર્ષે ૯૦ લાખનો ખર્ચ પાણીમાં…!
મહાપાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે શહેરમાં અત્યારે શ્વાનની વસતી ૩૦,૦૦૦ જેટલી છે જેમાંથી આ વર્ષે ૨૦૦૦ જેટલા શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે. બીજી બાજુ શ્વાસ ખસીકરણ, તેની સાચવણી સહિતના માટે મહાપાલિકા દર વર્ષે ૯૦ લાખનો માતબર ખર્ચ કરતી હોવા છતાં હજુ પણ શ્વાનોનો ત્રાસ યથાવત રહેતા આ ખર્ચ પાણીમાં ગયો તેમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી.
પકડાયેલા શ્વાનને માધાપર ડોગ સેન્ટરમાં કરાય છે ટાઢા' લોકોને રંજાડતાં શ્વાનને પકડવામાં આવે એટલે તેને માધાપર ખાતે આવેલા ડોગ સેન્ટરમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તેને
ટાઢા’ પાડવામાં આવે છે મતલબ કે તેનું ઓબ્ઝર્વેશન, તેનામાં હડકવા છે કે નહીં, તેની સારવાર સહિતની પ્રક્રિયા કરવામાં આવે છે. આ પછી જેવો તેનામાં ગુસ્સો શાંત થયો હોવાનું જણાય એટલે ફરી એક-એક કરીને તમામને છૂટા મુકી દેવામાં આવે છે.
તમને શ્વાન સતાવતું હોય તો તેની તસવીર કે વીડિયો આપવા જરૂરી !!
મહાપાલિકા દ્વારા એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ વ્યક્તિને ઘર કે ઑફિસ પાસે અથવા તો તે નિયમિત રીતે જે રસ્તેથી પસાર થતી હોય ત્યાંથી કોઈ શ્વાન તેની પાછળ દોડતું હોય કે સતાવી રહ્યું હોય તો તેની ફરિયાદ સાથે તેને સતાવી રહ્યાની તસવીર અથવા તો વીડિયો આપવા જરૂરી છે. જો આ પૂરાવા ન હોય તો પછી મહાપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.