રાજકોટમાં તડકો તપતા ઠંડીમાં થોડી રાહત
લઘુતમ તાપમાન થોડું ઘટ્યું, મહત્તમ તાપમાનમાં 3.4 ડિગ્રીનો વધારો
રાજકોટ : રાજકોટ, પોરબંદર અને કચ્છ સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કોલ્ડવેવની આગાહી વચ્ચે તીવ્ર ઠંડી પડી રહી છે જેમાં શનિવારે પણ રાજકોટનું લઘુતમ તાપમાન મામૂલી ઘટાડા સાથે 9.4 ડિગ્રી અને કચ્છના નલિયામાં 5.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું સાથે જ કાતિલ પવનનું જોર યથાવત રહેતા રાત્રીના અને સવારના સમયે લોકોને હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થયો હતો. જો કે, રાજકોટમાં દિવસ દરમિયાન તડકો તપતા શનિવારે મહત્તમ તાપમાનમાં 3.4 ડિગ્રીનો વધારો થતા ઠંડીમાં થોડી રાહત અનુભવાઈ હતી.
રાજ્યમાં છેલ્લા દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા શનિવારે પોરબંદર, કચ્છ અને રાજકોટ માટે કોલ્ડવેવ એલર્ટ જારી કરાયું હતી. બીજી તરફ રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે શનિવારે ભેજનું પ્રમાણ પણ વધ્યું હતું . રાજકોટમાં શનિવારે સવારે 10થી 15 કિલોમીટરની ઝડપે સુસવાટા મારતા પવન ફુંકાતા તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. આ સાથે જ શનિવારે નલિયામાં 5.8, રાજકોટમાં 9.4, જુનાગઢ શહેરમાં 10, પોરબંદરમાં 10.5, અમરેલીમાં 11, ભાવનગરમાં 14, દ્રારકામાં 15, ઓખામાં 18.4, સુરતમાં 16.4, અમદાવાદમાં 14.4, ડીસામાં 13.7, ગાંધીનગરમાં 14.4 અને વડોદરામાં 15 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.