રાજકોટની નામાંકિત RKC એ શરમ નેવે મૂકી:પાંચ બાળકોને ‘સ્વેટર’ કઢાવ્યા….!!!
મેનેજમેન્ટએ શિક્ષણમંત્રીના આદેશનો ઉલાળીયો કર્યો, વિદ્યાર્થીઓને ઓફિસમાં લઈ જઈ હવેથી અન્ય કલરના જેકેટ પહેરીને આવ્યાં તો સ્કૂલમાં આવવા દેવાશે નહિ..કહી તતડાવી નાખતાં ભારે ઉહાપોહ
શિક્ષણ મંત્રીના આદેશનો આર.કે.સી.માં ખુલ્લેઆમ ઉલાળિયો કરી અન્ય કલરના સ્વેટર પહેરીને આવેલા પાંચ બાળકોને એ કઢાવી નાખતાં પેરેન્ટસમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો,આ વાતને લઈ વાલીઓએ ડી.ઇ.ઓ.ને ઉગ્ર રજૂઆતો કરી સ્કૂલના સંચાલકો સામે પગલાં લેવા જણાવ્યું હતું,
રાજકોટની સ્ટેટ સમયની રાજકુમાર સ્કૂલમાં ધો.3માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ગઈકાલે તેમના જેકેટ પહેરીને સ્કૂલે પહોંચ્યા હતા ત્યારે સ્કૂલના શિક્ષકોએ આ વિદ્યાર્થીઓને ઓફિસમાં લઈ જઈને ઘરેથી જ અન્ય કલરના પહેરેલા જેકેટ કઢાવ્યા હતા અને કહ્યું હતું કે, હવે તે યુનિફોર્મના સ્વેટર જ પહેરીને આવજો..
જો અન્ય કલરના જેકેટ કે સ્વેટર પહેર્યા હશે તો ક્લાસમાં એન્ટ્રી મળશે નહીં તેમ કહી ધોરણ ત્રણ માં ભણતા પાંચ બાળકોને ખખડાવી લીધા હોવાનું પેરેન્ટેસએ ફરિયાદ કરી હતી. પેરેન્ટ્સે જણાવ્યું કે, સ્કૂલના યુનિફોર્મનું જે સ્વેટર હોય છે તેનું મટીરીયલ પાતળું હોવાના કારણે બાળકોને ઠંડી લાગે છે જેના કારણે શિક્ષણ વિભાગના આદેશ પછી અમે જેકેટ પહેરીને બાળકોને મોકલ્યા હતા. સ્કૂલ શરૂ થઈ ત્યાર બાદ આ બાળકોને ક્લાસમાંથી બહાર મોકલીને ઓફિસમાં જેકેટ કઢાવ્યા હતા અને હવેથી સ્કૂલના સ્વેટર પહેરીને નહીં આવો તો ક્લાસમાં બેસવા નહીં દેવાય તેવું કહી દીધું હતુ.
એક તરફ શિક્ષણ વિભાગ દ્વારા ચોક્કસ કલરના સ્વેટર માટે વિદ્યાર્થીઓને આગ્રહ નહીં રાખી શકાય તેવા નિર્ણય બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કરેલા પરિપત્રને આ નામી શાળાના વહીવટકર્તાઓ ઘોળીને પી ગયા હોય એમ રાજકોટની અનેક ખાનગી સ્કૂલો પોતાના નક્કી કરેલા યુનિફોર્મ પહેરવા માટે વિદ્યાર્થીઓને દબાણ કરે છે તેવી ફરિયાદો વાલીઓ અને વિદ્યાર્થીઓ સંગઠનો દ્વારા મળી રહી છે તેમ છતાં ડી.ઇ.ઓ.આ સ્કૂલો સામે કડક પગલાં લેવાને બદલે થાબડી રહ્યા છે.
શિક્ષણ તંત્ર દ્વારા ચોક્કસ જગ્યાએથી સ્વેટર ખરીદી અથવા તો એક જ કલરના સ્વેટર પહેરવાના રહેશે તેવા નિયમોમાંથી મુક્તિ અપાયા પછી પણ અનેક ખાનગી સ્કૂલોએ આ પરિપત્રને અભેરાઈએ ચડાવી દીધો છે, તાજેતરમાં કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓની મદદ માટે હેલ્પ લાઈન પણ શરૂ કરવામાં આવી છે જેમાં દરરોજ અલગ અલગ સ્કૂલ સંચાલકોની દાદાગીરી સામે આવી રહી છે.હવે બહુ થયું એવું જણાવી આવી શાળાઓ સામે પગલાં ભરવા માટે વાલીઓની પ્રબળ માંગણી ઊભી થઈ છે.
1 દિવસમાં જવાબ આપજો નહિ તો કાર્યવાહી માટે તૈયાર રહેજો:ડી.ઇ.ઓ.ની ઘગધગતી નોટિસ
રાજકુમાર સ્કૂલમાં પાંચ વિદ્યાર્થીઓ સાથે સંચાલકોએ સ્વેટર કઢાવ્યા તે ઘટનાની ફરિયાદ વિદ્યાર્થીઓના વાલીઓએ ડીઈઓને કરતા જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલેએ તાત્કાલિક જ ધોરણે શાળા સંચાલકોને રૂબરૂ બોલાવ્યા હતા અને આ બનાવને લઈ ઉઘડો લીધો હતો.ડી.ઇ.ઓ.એ નોટિસ ફટકારી એક દિવસની મુદત આપી છે. જો આ બાબતે સ્કૂલ સંચાલકો કોઈ સ્પષ્ટતા નહીં કરે તો નિયમ શાળા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
સવારે ઠંડીમાં સ્વેટર કઢાવે એ ગંભીર અને શરમજનક
શિયાળામાં ઠંડીથી બચવા માટે વિદ્યાર્થીઓને સ્વેટર પહેરાવવામાં આવતા હોય છે ત્યારે આર કે સી શાળાના સંચાલકોએ પોતાના જડ નિયમોને પકડી રાખી સવારે ઠંડીમાં પાંચ બાળકોને સંચાલકોએ સ્વેટર કઢાવ્યા તે કેટલું વ્યાજબી..? પ્રતિષ્ઠિત સ્કૂલ સરકારના નિયમોનું પાલન કેમ કરતી નથી..? આ બાબત શિક્ષણ જગત માટે ગંભીર અને શરમજનક છે આટલી તગડી ફી આપ્યા બાદ પણ મેનેજમેન્ટ નાના વિદ્યાર્થીઓ સાથે આવી હરકત કરતાં અચકાતી નથી તેવું જણાવી વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતએ આકરા મિજાજ સાથે કહ્યું હતું કે,અમે આ ઘટનાને લઈ તુરંત જ જિલ્લા શિક્ષણ અધિકારીને ટેલીફોનિક રજૂઆત કરી હતી અને આ ઘટનાને ગંભીરતાથી લઈ ડી.ઇ.ઓ.એ શાળા સંચાલકોનો ઉઘડો લીધો છે.હવે આ નિયમોનો છેદ ઉડાડતી શાળાઓ અંગે પ્રથમ જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાન દોરીશું અને ત્યારબાદ જો કાર્યવાહી નહીં થાય તો સ્કૂલે જઇ હલ્લાબોલ કરશું.