રાજકોટની ચાર વાઈનશોપમાંથી ખરીદાયો અધધ ૭ કરોડનો દારૂ !
અન્ય વાઈશોપનું ૫૦ લાખથી લઈ દોઢ કરોડનું વેચાણ: સ્કોચ-વ્હીસ્કી જેટલો જ બીયર ઉપડ્યો: ગત વર્ષ કરતાં વેચાણમાં ૨૫%નો ઉછાળો
૮૦૦૦થી વધુ પરમીટધારકોએ તમામ યુનિટ વાપર્યા: અનેકે તો દિવાળી માટે યુનિટ સાચવીને રાખ્યા’તા !
બ્લેક એન્ડ વ્હાઈટ, સિવાસ રિગલ, જે એન્ડ બી, ગ્લેનફિડિચ, રેડ-બ્લુ-બ્લેક લેબલ સહિતની વૈભવી' વ્હીસ્કીની સાથે જ બ્લેન્ડર પ્રાઈડ, બ્લેક ડોગ સહિતનું વેચાણ નોંધપાત્ર
દરેક વાઈન શોપમાં દરરોજ ૨૦ લાખથી લઈ ૫૦ લાખ સુધીનું વેચાણ: ટેક્સપેટે સરકારની તિજોરી છલકાઈ
દિવાળી પર્વનો ધૂમ-ધડાકાભેર પ્રારંભ થઈ ચૂક્યો છે અને લોકો તહેવારની મોજ માણી રહ્યા છે. આ તહેવારમાં છાંટોપાણી કરવાની વણલખી પરંપરા વર્ષોથી ચાલી આવતી હોય આ વર્ષે પણ દારૂનું વેચાણ નોંધપાત્ર રહેવા પામ્યું છે. રાજકોટમાં અત્યારે અલગ-અલગ હોટેલો તેમજ ઢેબર રોડ પર એક એમ સાત વાઈન શોપ કાર્યરત છે. દિવાળીના તહેવારમાં પરમીટધારકોએ મન મુકીને દારૂ-બીયરની ખરીદી કરતાં ચાર જ વાઈન શોપમાંથી ૭ કરોડનો દારૂ-બીયર ખરીદાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગત પ્રમાણે હોટેલ સયાજી, ઈમ્પિરિયલ, ફોર્ચ્યુન અને ફર્નમાંથી ચાર દિવસની અંદર સાત કરોડનો દારૂ વેચાયો હતો. જ્યારે ઢેબર રોડ પર વન-વેમાં આવેલી વાઈન શોપમાંથી બે કરોડ, હોટેલ આરપીજેમાંથી દોઢ કરોડ અને હોટેલ કે.કે.માંથી પચાસેક લાખ રૂપિયાના દારૂનો
ઉપાડ’ થવા પામ્યો હતો. એકંદરે ગત વર્ષ કરતાં આ વર્ષે વાઈન શોપમાંથી દારૂનું વેચાણ આ વર્ષે ૨૫% વધુ રહ્યાની વિગતો પણ સાંપડી હતી.
શહેરમાં અત્યારે ૮૦૦૦થી વધુ પરમીટધારકો છે જે તમામે બધા જ યુનિટનો ઉપયોગ કરી લીધો હતો. અમુક પરમીટધારકોએ તો દિવાળીને ધ્યાનમાં રાખી યુનિટ બચાવી રાખ્યા હતા અને એક સાથે ખરીદી કરી હતી. ઉલ્લેખનીય છે કે શહેરમાં અત્યારે એકથી લઈ પાંચ યુનિટ સુધીની પરમીટ ધરાવતાં ધારકો છે.
દારૂની ખરીદીમાં સૌથી વધુ ખરીદી બ્લેક એન્ડ વ્હાઈટ, સિવાસ રિગલ, રેડ લેબલ, બ્લુ લેબલ, બ્લેક લેબલ સહિતની લકઝરીયસ બ્રાન્ડની થવા પામી હતી. આ ઉપરાંત એવરેજ બ્રાન્ડમાં કહેવામાં આવે તો બ્લેન્ડર પ્રાઈડ, બ્લેક ડોગ સહિતનું વેચાણ પણ ધૂમ થયું હતું. જ્યારે બીયરમાં બડવાઈઝર, કાર્લ્સબર્ગનું વેચાણ પણ તોતિંગ રહ્યું હતું. અત્યારે ગરમીની સીઝન હોવાને કારણે લોકોએ બીયર ખરીદવા ઉપર વધુ ભાર આપ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
દારૂ છે જ નહીં ? મોટાભાગના બૂટલેગરોનો એક જ જવાબ !
રાજકોટમાં દિવાળી પહેલાં જ શહેર-જિલ્લાની પોલીસે દારૂની ઘૂસણખોરી ઉપર જબદરસ્ત ધોંસ બોલાવી હોય શહેરના મહત્તમ બૂટલેગરોએ દારૂ વેચવાનું માંડી વાળ્યું હતું. ખાસ કરીને પાછલી દિવાળીઓ કરતા આ વખતની દિવાળી ઉપર દારૂની ગજબ શોર્ટેજ હોવાનું નિયમિત સેવન કરનારા લોકો જણાવી રહ્યા છે. વળી, જે બૂટલેગર દારૂ લાવવામાં સફળ રહ્યો તેણે રાતોરાત એક હજારથી લઈ ૧૫૦૦ સુધીનો વધારો કરી દેતાં પ્યાસીઓએ મને-કમને દારૂની ખરીદી કરવી પડી હતી.