રાજકોટના 35 વકીલોના ખાતા માંથી રૂ.3.12 લાખ ઉપાડી લેનાર બે ગઠિયા પકડાયા
આધાર એનેબલ પેમેન્ટ સિસ્ટમથી વકિલો સાથે ઠગાઇ કરી પૈસા ઉપાડી લેનારનું પગેરું બિકાનેર નીકળ્યું
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટના 35 વકીલોના ખાતા માંથી બારોબાર રૂ.3.12 લાખ ઉપાડી લેનાર બે સાઇબર ગઠિયાને પોલીસે પકડી લીધા છે. શહેરના રેવન્યુ પ્રેકટીસ કરતાં ૩૫ જેટલા વકિલોના બેંક ખાતામાંથી ધડાધડ રકમો ઉપડી જતાં દેકારો મચી ગયો હતો. ગત ઓગષ્ટ મહિનામાં આ બનાવ બનતાં સાયબર ક્રાઇમ પોલીસે રૈયા રોડ વૈશાલીનગરમાં રહેતાં એડવોકેટ ભાવીનભાઇ મગનભાઇ મારડીયાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો.
ભાવીનભાઇ સહિત ૩૫ વકિલોના ખાતામાંથી કુલ રૂા. ૩,૧૨,૪૮૫ ઉપડી ગયા હતાં. ગઠીયાઓએ વકિલોના આધારકાર્ડ સંલગ્ન થમ્બ ઇમ્પ્રેશનની ડેટા કોઇ કોમ્પ્યુટર રિસોર્સથી મેળવી લઇ અલગ અલગ રકમ ઉપાડી લીધી હતી. સાયબર ક્રાઇમ પોલીસે આ છેતરપિંડીનો ભેદ ઉકેલી બે ગઠીયાને રાજસ્થાનના બીકાનેરથી કૈલાસ કાનારામ ઉપાધ્યાય અને મનોજ રાજુરામ કુમ્હારની ધરપકડ કરી હતી. આ બંનેએ રાજકોટ સિવાયના શહેરોમાં પણ બીજા લોકોને નિશાન બનાવ્યાની શંકાએ તપાસ થઇ રહી છે. આ બંને ગઠિયાએ પોતાના બેંક એકાઉન્ટ તથા બીજા અજાણ્યા વ્યક્તિઓના બેંક એકાઉન્ડ ખોલાવી છેતરપીંડીથી મેળવેલા નાણા ખાતામાં મેળવી લીધા હતાં. રાજકોટના વકિલો સાથે આધાર એનેબલ પેમેન્ટ સિસ્ટમથી ઠગાઇ કરી પૈસા ઉપાડી લીધાનું ખુલ્યું છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચૌધરી, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલની રાહબરીમાં એસીપી વિશાલ રબારીના માર્ગદર્શનમાં પીઆઇ કે. જે. મકવાણા અને તેમની ટીમે કામગીરી કરી હતી.