યાજ્ઞિક રોડ ઉપર અકસ્માતની હારમાળા સર્જનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો
બેફામ સ્પીડે કાર ચલાવી ચાર વાહનોને ઠોકરે ચડાવ્યા
યાજ્ઞિક રોડ પર બેફામ સ્પીડે નીકળેલા સ્વીફ્ટ કાર નંબર જીજે 03એલઆર 8729ના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી હતી. ટોળાએ કાર ચાલકને પકડી પોલીસ હવાલે કર્યા બાદ આ મામલે એ ડિવિઝન પોલીસે કાર ચાલક કેવડવાડી મેઈન રોડ, સરોવર એપાર્ટમેન્ટમાં રહેતા કેતન કિશોર પાટડીયા સામે સાપરાધ મનુષ્ય વધની કોશિશની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ટ્રાફિકથી સતત ધમધમતા યાજ્ઞિક રોડ ઉપર શુક્રવારે સ્વીફ્ટ કાર નંબર જીજે 03એલઆર 8729ના ચાલકે ચાર જેટલા વાહનોને ઠોકરે ચડાવ્યા હતા. અકસ્માતમાં કારને નુકસાની થઇ હતી. ઘટનાને પગલે ત્યાં લોકોના ટોળા એકત્ર થયા હતા અને કારચાલકને પકડી લોકોએ એ-ડિવિઝન પોલીસને સોંપતા પોલીસે તેની પુછપરછ શરૂ કરી હતી.એ-ડિવિઝન પોલીસે તેના સામે ગુનો નોંધ્યો હતો.