મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે રાજકોટની મુલાકાતે…
- -BAPS મંદિરમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨.૦નો પ્રારંભ કરાવશે
- -ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અડધો ડઝન મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે
રાજકોટ
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ તા. ૨૪ને રવિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને બપોરે ૦૨ કલાકે કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત સરકારની ગૌરવગાથાના પ્રતિક સમી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨.૦નો શુભારંભ કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં જાણીતી સેલીબ્રીટી દ્વારા કોલેજ-યુનિવર્સીટી અને શાળા કક્ષાના વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્વિઝ રમાડવામાં આવશે તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વિજેતાઓની જાહેરાત કરાશે. આ તકે રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલ, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બપોરે ૩:૧૫ કલાકે કુવાડવા રોડ પર કાર્તિક પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી અનુકુળતાએ હીરાસર એરપોર્ટથી અમદાવાદ જવા રવાના થશે.