મારવાડી યુનિવર્સિટીમાંથી પકડાયેલા ગાંજા પ્રકરણમાં જવાબદારો સામે પગલાં લેવા માંગ
કલેકટરને આવેદનપત્ર પાઠવી એન.એસ.યુ.આઈ દ્વારા કરાઇ રજૂઆત
રાજકોટમાં થોડા સામે પહેલા મારવાડી યુનિવર્સિટીમાંથી પકડાયેલા ગાંજાના છોડ પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં હજુ સુધી કોઈ નામ જોગ ફરિયાદ કરવામાં આવી નથી તેમ જણાવી જિલ્લા કલેકટરને એનએસયુઆઈ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદન પત્રમાં એન.એસ. યુ.આઈ દ્વારા જણાવાયું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં નશાખોરી વધતી જાય છે. શિક્ષણના ધામને પણ નશાનું ધામ બનાવવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા રાજકોટની મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંજાના છોડ પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં હજુ સુધી કોઈ નામ જોગ ફરિયાદ કરવામાં આવી નથી. આ જ રીતે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાંથી પણ ગાંજાનાં છોડ મળી આવ્યા હતા. ત્યારે નશિલા પદાર્થોનું વાવેતર કોઇની રહેમ નજર હેઠળ અથવા તો જાણ હોવા છતાં આંખ આડા કાન કરવામાં કરવામાં આવી રહ્યા હતા. ત્યારે શિક્ષાના ધામને નશાનું ધામ બનાવવાનું કામ થઈ રહ્યું હોવાનું જણાવી મારવાડી યુનિવર્સિટીના સત્તાધીશો અને માલિક ઉપર નામ જોગ ફરિયાદ કરવામાં આવે અને યુનિવર્સિટીની માન્યતા રદ્દ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીમાંથી પણ જે કાઇ પકડાયું છે તેની તટસ્થ તપાસ કરવામાં આવે અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં એન.એસ.યુ.આઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.