મહીકાના સદ્દગુરૂ પાર્કમાં 7 માસના બાળકની દાટેલી લાશ મળી
કૂતરું જમીન ખોદતું હોય, ગ્રામજનોએ તપાસ કરતાં નવજાત બાળકનો મૃતદેહ નીકળ્યો
વોઇસ ઓફ ડે રાજકોટ
રાજકોટ–ભાવનગર હાઇવે પર મહિકાના પાસે એક નવજાત બાળકનો દફન કરેલો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ ઘટના સ્થળે જઇ તપાસ શરૂ કરી છે.
મહિકાના પાટીયા પાસે આવેલા સદ્દગુરૂ પાર્ક-૩માં રહેતા રણછોડભાઇના મકાન પાછળના ભાગે ખુલ્લા પટમાં એક કુતરૂ જમીન ખોદતું જોવા મળતાં સોસાયટીના રહેવાસીને શંકા ઉપજતાં બીજા લોકોને બોલાવી તપાસ કરતાં જમીનમાંથી નવજાત બાળકનો દફન કરેલો મૃતદેહ મળી આવ્યો હતો.આ બાબતે પોલીસને જાણ કરી આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ એલ. એલ. ચાવડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો
પ્રાથમિક તપાસમાં આશરે સાતેક માસના બાળકનો મૃતદેહ તેમજ મૃતદેહને આશરે 12 કલાક પહેલા જ દાટવામાં આવ્યાનું જાણવા મળ્યું હતું. રણછોડભાઇ કેટલાક દિવસથી બહારગામ ગયા હોઇ ત્યારે તેમના ઘર પાછળના પટમાં કોઇ આ બાળક દાટી ગયું હોવાની શંકા છે. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા આગળની તપાસ શરૂ કરી છે.